કાલોલના ઇન્દિરા વસાહતમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર,અનાજ-સામાનને નુકસાન.

તારીખ ૦૩/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે કાલોલ નગરના ઇન્દિરા વસાહતમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કાલોલ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે. આ વસાહતમાં હજારો લોકો વસવાટ કરે છે. ભારે વરસાદના કારણે સમગ્ર ઇન્દિરાનગર વસાહતમાં પાણી ઘૂસી જતા અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે. અને ઇન્દિરાનગર ના લોકોના અનાજ, ઘરવખરી અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલાય ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ધીરે ધીરે ઇન્દિરાનગર વસાહતના લોકો ઘરોની બહાર નીકળી રહ્યા છે. જ્યાં સ્થાનિકોનું કહેવું છે કે ઇન્દિરાનગર તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે વરસાદમાં સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા તેનો કાયમી કોઈ ઈલાજ કરવામાં આવ્યો નથી. બારે મેઘ ખાંગા થતા જ આજે ફરી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હાલ વસાહતના લોકોએ તંત્ર પાસે આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે. ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માગ છે.







