બ્રિજેશ પટેલ, પટેલ
પત્રકાર પ્રતિનિધિ
– ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 450 અનાજ કિટનું વિતરણ કરાયું
– મેરા, કરસાડ, પણસોલી, દેસાડ, સોડગામ અને ડહેલીના જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડાઈ
વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં પૂરના કારણે કેટલાય ગામો પ્રભાવિત થયા છે. પૂરના કારણે ગ્રામજનોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રથમ પ્રાથમિકતાના ધોરણે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ રાહત કાર્ય અંતર્ગત પૂર અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવા હી સંગઠન હેઠળ જિલ્લા ભાજપે તાલુકાના મેરા, કરસાડ, પણસોલી, દેસાડ, સોડગામ અને ડહેલી સહિતના વિવિધ ગામોમાં પહોંચીને પૂરપીડિત પરિવારોને રાશનની મુશ્કેલી ન પડે તે હેતુથી કુલ 450 અનાજ કિટોનું વિતરણ કર્યું હતું.
સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ, જિલ્લા પંચાયત સભ્ય સેવંતુભાઈ સહિત ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. તમામ અગ્રણીઓના હસ્તે અસરગ્રસ્ત ગ્રામજનોને અનાજ કિટનું વિતરણ કરાયું હતું.
મુશ્કેલીની આ ઘડીમાં ભાજપ સંગઠન પોતાની વચ્ચે આવીને મદદરૂપ બનતા પૂરપીડિત પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.



