
ભાવસોરના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી: શિવલિંગનું ચાંદીનું કવર અને છત્ર મળી રૂ.2.62 લાખની ચોરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ભાવસોર ગામ સ્થિત ઐતિહાસિક ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ ત્રાટકી શિવલિંગ પર ચડાવાયેલું ચાંદીનું કવર અને પાર્વતી માતાની મૂર્તિ પરનું ચાંદીનું છત્ર ચોરી લઈ જતાં ગામમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે. ચોરીમાં કુલ રૂ.2.62 લાખની ચાંદીની ધાર્મિક વસ્તુઓની ઉઠાંતરી થઈ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા. 25 જુલાઈની રાત્રે મંદિર બંધ કર્યા બાદથી 26 જુલાઈની વહેલી સવારે વચ્ચે કોઈ અજાણ્યા તસ્કરોએ મંદિરના લાકડાના મુખ્ય દરવાજાનું તાળું તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ શિવલિંગ પર ચડાવાયેલું આશરે 1.151 કિલો વજનનું ચાંદીનું કોટેડ કવર (કિંમત રૂ.2.41 લાખ) તેમજ પાર્વતી માતાની મૂર્તિ પરનું આશરે 100 ગ્રામ વજનનું ચાંદીનું છત્ર (કિંમત રૂ.21 હજાર) ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મંદિરના પૂજારી વિનોદકુમાર અંબાલાલ રાવલ સવારે આરતી કરવા પહોંચ્યા ત્યારે મંદિરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં ચાંદીની બંને વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા તેમણે ટ્રસ્ટી કૌશિકકુમાર વિઠ્ઠલભાઈ પટેલને જાણ કરી હતી. બાદમાં ટ્રસ્ટના હોદ્દેદારો સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસ શોધખોળ કરવા છતાં ચોરાયેલી વસ્તુઓનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
ટ્રસ્ટીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કૌશિકકુમાર વિઠ્ઠલભાઈ પટેલે પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મંદિરમાંથી માત્ર ચાંદીની ધાર્મિક વસ્તુઓની જ ચોરી કરવામાં આવી છે. જોકે દાનપેટીને અડવામાં પણ આવી નથી પોલીસે નોંધાયેલ ફરિયાદ ના આધારે તપાસ તેજ કરી છે.




