Rajkot: વરસાદ વચ્ચે ૧૦૮ બન્યું ‘ઈમરજન્સી પ્રસૂતિ ગૃહ’: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઓન ધી સ્પોટ ૩ પ્રસૂતિ, એકનું હોસ્પિટલ સ્થળાંતર

તા.૪/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
હેમાલી ભટ્ટ
લોધિકા, દેરડી કુંભાજી, સાણથલી અને જામકંડોરણા ૧૦૮ની ટીમોની સરાહનીય સમયસૂચકતા
વરસાદી આફત વચ્ચે કુનેહ અને ઉત્તમ મેડિકલ સેવાથી ચાર પરિવારમાં ગૂંજ્યો નવજાતનો કિલકિલાટ
Rajkot: રાજકોટ જિલ્લામાં ગત ત્રણ દિવસો દરમિયાન ભારે વરસાદ અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સએ મેડિકલ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અનેક માર્ગો પર પાણી ભરાયા અને આંતરિયાળ વિસ્તારમાં અનેક પડકારો છતાં ૧૦૮ની ટીમે સાંગણવા, સાણથલી અને ચિત્રાવડ ગામમાં સમયસૂચકતા દાખવીને ત્રણ સફળ ડિલિવરી કરાવી તેમજ અન્ય એક કેસ મળીને માતા અને નવજાત શિશુઓને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડ્યા છે.
લોધિકા ૧૦૮ ટીમ દ્વારા સાંગણવા ગામે ઘટનાસ્થળે જ મહિલાને કરાવી સુરક્ષિત પ્રસૂતિ
લોધિકા ૧૦૮ ટીમને સાંગણવા ગામના નુમાબેન મેહડા (ઉ.૨૦)ની પ્રસુતિની પીડાનો કોલ મળતાં ટીમ સમયસર પહોંચી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા મહિલાને પીડા અત્યંત વધી જતાં પાયલોટ રમેશભાઈ અને ઈએમટી દિનેશભાઈએ કુશળતા દર્શાવી ઘટનાસ્થળે જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી લોધિકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
એમ્બ્યુલન્સમાં જ સાણથલી ૧૦૮ની ટીમના પ્રયત્નોથી બાળકની કિલકારી ગુંજી
સાણથલી આરોગ્ય કેન્દ્રથી હાઈ બ્લડપ્રેશર ધરાવતા સગર્ભા સીમાબેન દિલિપભાઈ બાંભણિયા (ઉ.૨૩)ને જસદણ ખસેડતી વખતે જુના પીપળીયા નજીક પીડા વધી ગઈ હતી. ઈએમટી વિશાલભાઈએ ૧૦૮ના ERCP ફિઝીશ્યન ડૉ. જે.ડી. પટેલના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ પાયલોટ કાર્તિકભાઈના સહયોગથી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે જસદણ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
ધૈર્ય, તાલીમ અને કુશળતાનો પરચો આપતી જામકંડોરણા ૧૦૮ ટીમ
જામકંડોરણા ૧૦૮ ટીમને ચિત્રાવડ ગામના વિણાબેન ગણાવા (ઉ.૨૫)ના પરિવારમાંથી ફોન આવતા જ પાયલોટ પૃથ્વિભાઈ અને ઈએમટી નરેશભાઈએ ત્વરિત કામગીરી કરી હતી. હોસ્પિટલ જતાં રસ્તામાં પીડા વધી જતાં એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકની સ્થિતિ સ્થિર રાખી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સાણથલી વાડી વિસ્તારમાં ૨ કિલોમીટર ચાલીને ટીમ સ્થળ પર પહોંચી દેરડી કુંભાજી ૧૦૮ ટીમ
સાણથલી ગામ નજીક વાડી વિસ્તારમાં અંજનાબેન રામદાસભાઈ (ઉ.૨૦)ની પ્રસૂતિનો કોલ મળતાં દેરડી કુંભાજી ૧૦૮ના પાયલોટ સાગરભાઈ અને ઈએમટી ભાવેશભાઈ રવાના થયા હતા. કાદવ અને ભારે વરસાદને કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકે તેમ ન હોવાથી, બંને કર્મચારીઓ ૨ કિલોમીટર ચાલીને સ્થળ સુધી પહોંચ્યા હતા. ત્યાં બાળકીનો જન્મ થઈ ચૂક્યો હોવાથી, માતા અને બાળકને એમ્બ્યુલન્સ સુધી લાવી પ્રાથમિક સારવાર આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાણથલી અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધોધમાર વરસાદ અને કાદવથી ભરેલા માર્ગો વચ્ચે પણ કર્મચારીઓએ દાખવેલી ઝડપ,ચોકસાઈ અને માનવતાના પરિણામે આજે અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છે. પ્રતિકૂળ હવામાન, વરસાદ કે કોઈપણ મુશ્કેલી પરિસ્થિતિમાં 108 ટીમની મેડિકલ સેવા અવિરત ચાલુ રહે છે. જ્યારે દરેક ક્ષણ કિંમતી હોય ત્યારે 108ના કર્મચારીઓ પોતાની ફરજને સર્વોપરી માનીને લોકોના જીવનની રક્ષા માટે સતત કાર્યરત રહે છે. આવી ભારે વરસાદની પરિસ્થિતીમાં પણ સમગ્ર ટીમનો દર્દિના સગા તેમજ ફરજ પરના મેડિકલ ઓફિસર દ્રારા આભાર માનવામાં આવ્યો હતો.




