MEHSANAVIJAPUR

ભાવસોર પાટિયા નજીક જમરૂખના જથ્થા નીચે સંતાડેલો રૂ.9.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

એલસીબીની કાર્યવાહી : રાજસ્થાનના બે શખ્સ ઝડપાયા, બે આરોપી વોન્ટેડ જાહેર

ભાવસોર પાટિયા નજીક જમરૂખના જથ્થા નીચે સંતાડેલો રૂ.9.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
એલસીબીની કાર્યવાહી : રાજસ્થાનના બે શખ્સ ઝડપાયા, બે આરોપી વોન્ટેડ જાહેર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા એલસીબી પોલીસે વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવસોર પાટિયા નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કરતાં રૂ.9.23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જમરૂખના કેરેટોની આડમાં સંતાડીને દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવતો હોવાનું બહાર આવતાં પોલીસે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે વલાસણાથી વિજાપુર તરફ આવી રહેલી મહિન્દ્રા બોલેરો પીકઅપ (નં. RJ-01-GD-1043)ને ભાવસોર પાટિયા નજીક રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાં ઉપરના ભાગે જમરૂખના કેરેટો ગોઠવી નીચે અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે 1,560 બોટલ-ટીન (કુલ 536.16 લિટર) વિદેશી દારૂ, બોલેરો પીકઅપ તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.9,23,368નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં રાજસ્થાનના અજમેર જિલ્લાના મોનુ ઘીસાલાલ સોહનાથ (ઉ.વ.25) અને નાગોર જિલ્લાના હનુમાન હરલાલ ભવરૂરામ (ઉ.વ.22)ની ધરપકડ કરવામાં આવી છે. બંને વિરુદ્ધ લાડોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો અન્ય આરોપીઓના ઇશારે ગુજરાતમાં પહોંચાડવામાં આવતો હોવાનું ખુલ્યું છે. પોલીસે ‘સરદારજી’ તરીકે ઓળખાતા અજાણ્યા શખ્સ તેમજ કડી તાલુકાના ઘુમાસણ ગામના વિજય બાપુને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ એ.એમ. કામળિયાની આગેવાનીમાં પીએસઆઈ એ.ડી. કાકરેચા, એએસઆઈ પિયુષકુમાર નગીનભાઈ અને એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે દારૂના જથ્થાનું મૂળ સ્ત્રોત અને હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!