
વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ 12 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર: શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે રંગોળી કલા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ વિવિધ રંગોના સુંદર સમન્વય અને અવનવી ડિઝાઇન દ્વારા પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં કુલ 12 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિર્ણાયકોના મૂલ્યાંકન મુજબ પ્રથમ ક્રમે રાઠોડ શ્રેયા, દ્વિતીય ક્રમે પંડયા નીયંતી અને પટેલ નિશા (સંયુક્ત), જ્યારે તૃતીય ક્રમે પંડયા નિયતિ વિજેતા રહ્યા હતા. વિજેતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને ઇનામો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કલા-કૌશલ્ય ધારાના કન્વીનર ડૉ. જે.એમ. પટેલ અને ડૉ. આર.એ. પટેલે આયોજનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી.




