GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના નેતૃત્વ હેઠળ મિશન મોડમાં ૪૫થી વધુ સ્કીમ સેચ્યુરેશન અભિયાનનો પ્રારંભ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તેમજ ગામડાં અને શહેરી વોર્ડોમાં યોજનાઓનું ‘ટોટલ સ્કીમ સેચ્યુરેશન’ સુનિશ્ચિત થાય તે માટે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના નેતૃત્વ હેઠળ **‘સ્કીમ સેચ્યુરેશન અભિયાન’**નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના સુચારુ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરની આયોજન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્ય સરકારના લોકકેન્દ્રિત અને પરિણામલક્ષી સુશાસનના અભિગમને વધુ અસરકારક બનાવવા જિલ્લા વહીવટીતંત્રે વિવિધ વિભાગોની કામગીરીને એક જ પ્લેટફોર્મ પર લાવી સતત મોનીટરિંગ અને અસરકારક અમલીકરણ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે.

૧૧૯ લાયઝન અને ૯ નોડલ અધિકારીઓની નિમણૂક

અભિયાનના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાએથી તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કામગીરીના સંકલન અને દેખરેખ માટે વર્ગ-૧ અને વર્ગ-૨ના કુલ ૧૧૯ અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત સમગ્ર અભિયાનની સુપરવિઝન, માર્ગદર્શન અને સમયાંતરે સમીક્ષા માટે વર્ગ-૧ના ૯ વરિષ્ઠ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

૪૫થી વધુ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ કેમ્પ દ્વારા

જિલ્લાના વિવિધ ક્લસ્ટરોમાં કેમ્પ યોજી નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ૪૫થી વધુ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવશે. તેમાં મુખ્યત્વે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, પાલક માતા-પિતા યોજના, ADIP યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને સ્વામિત્વ યોજના સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે.

ચાર મુખ્ય ક્ષેત્ર પર મિશન મોડમાં કામગીરી

દરેક લાયઝન અધિકારી પોતાના નિયમિત કાર્યો ઉપરાંત દર અઠવાડિયે બે દિવસ ફિલ્ડ મુલાકાત લઈને નીચેના ચાર મહત્વના ક્ષેત્રોમાં કામગીરી કરશે:

  • સ્વચ્છતા અભિયાન
  • શિક્ષણ
  • આરોગ્ય
  • આઈસીડીએસ હેઠળ કુપોષણ નિવારણ

સ્વચ્છતા પર વિશેષ ભાર

ગામો અને શહેરી વોર્ડોમાં સ્વચ્છતા કેલેન્ડર મુજબ નિયમિત સફાઈ, કચરાનો વૈજ્ઞાનિક નિકાલ, પીવાના પાણીનું ક્લોરીનેશન, દવાનો છંટકાવ, ફોગિંગ તેમજ GPS આધારિત Before-During-After ફોટોગ્રાફ્સ દ્વારા કામગીરીનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે.

૧,૬૧૮ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો સંકલ્પ

શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં નોંધાયેલા ૧,૬૧૮ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓ સાથે ચર્ચા કરી શિક્ષણનું મહત્વ સમજાવશે અને બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડશે.

૭૧૯ હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાઓ પર સતત દેખરેખ

આરોગ્ય વિભાગ હેઠળ નોંધાયેલી ૭૧૯ Very High Risk Pregnancy (VHRP) ધરાવતી સગર્ભા મહિલાઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે તેની ખાતરી માટે અધિકારીઓ ફિલ્ડ સ્તરે નિયમિત દેખરેખ રાખશે અને જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરશે.

૭૪૮ કુપોષિત બાળકો માટે વિશેષ મિશન

આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાના ૭૪૮ અતિ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. પોષણયુક્ત આહાર, આરોગ્ય સેવાઓ, માસિક તબીબી ચકાસણી, વજન-ઊંચાઈનું મૂલ્યાંકન, THR વિતરણ અને માતાઓને પોષણ અંગે માર્ગદર્શન જેવી કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવશે.

દર અઠવાડિયે કલેક્ટર કરશે સમીક્ષા

સમગ્ર અભિયાન માટે અલગ રિપોર્ટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવશે, જેમાં અધિકારીઓ દ્વારા સમયસર માહિતી અપલોડ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દર અઠવાડિયે અભિયાનની પ્રગતિની સીધી સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે.

જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ માત્ર ચાર વિષયો પૂરતો મર્યાદિત ન રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકારની ૪૫થી વધુ જનકલ્યાણકારી યોજનાઓનું સંપૂર્ણ સેચ્યુરેશન હાંસલ કરીને દરેક પાત્ર લાભાર્થી સુધી તેનો લાભ પહોંચાડવાનો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેક્ટર જે. એન. લખિયા સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રાંત અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!