
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા :-ગિરિમથક સાપુતારા ખાતે પાયાની સુવિધાઓ કરતા મલાઈદાર મોન્સૂન ફેસ્ટિવલનાં ઉત્સવ પર વધુ ભાર, ફેસ્ટિવલનાં નામે ગુજરાત પ્રવાસન વિભાગની ખાયકી નીતિ સામે તપાસ કોણ કરશે તે અંગે પ્રશ્નાર્થ..
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ ગાંધીનગર દ્વારા 8મી ઓગસ્ટથી 29મી ઓગષ્ટ સુધી એક મહિના માટે મેઘ મલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યુ છે.જોકે ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા જ પાયાની સુવિધાઓનાં અભાવે ગુજરાત પ્રવાસન વિભાગ વિવાદોમાં ઘેરાયેલ જોવા મળી રહ્યુ છે.ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓ દ્વારા દરવર્ષે કમાણીનાં લ્હાયમાં પોતાની માણીતી એજન્સીઓ સાથે મળી પોતાના સ્વાર્થ માટે નક્કર આયોજન વગર કરોડોનું આંધણ કરવામાં આવે છે.સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થાય તે પહેલા જ પાર્કિંગની અપૂરતી સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને સ્થાનિકો તથા પ્રવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે, પરંતુ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓને રસ્તાની બાજુમાં વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે.પરિણામે ટ્રાફિકજામ અને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાય છે.સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ફેસ્ટિવલનું આયોજન પણ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતા સ્થળે જ કરવામાં આવતુ હોવાથી પાર્કિંગની ઉપલબ્ધ જગ્યામાં વધુ ઘટાડો થાય છે.તેઓનું કહેવુ છે કે કરોડો રૂપિયાના ખર્ચ સાથે યોજાતા ઉત્સવની સાથે પ્રવાસીઓ માટેની પાયાની સુવિધાઓમાં પણ સુધારો થવો જોઈએ.નહી કે માત્ર આ ખિસ્સા ભરવાનો ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ.આ ઉપરાંત કેટલાક સ્થાનિકોએ મોન્સૂન ફેસ્ટિવલ માટેની ટેન્ડર પ્રક્રિયા અને ખર્ચની પારદર્શિતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગનાં અમુક અધિકારીઓનાં મિલીભગતમાં લલ્લુજી એન્ડ સન્સ કંપનીને મોન્સૂન ફેસ્ટિવલનાં આયોજનની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ આ એજન્સી અગાઉનાં વર્ષોમાં વિવાદ સાથે ઘેરાયેલી જોવા મળી રહી છે.આ એજન્સી દ્વારા અગાઉનાં વર્ષોમાં કાર્યક્રમો અને આયોજનનાં નામે માત્ર નક્કરવેઠ જ ઉતારી મોટા પાયે બિલો મૂકી સરકારને ચુનો ચોપડ્યો હોવાનાં આક્ષેપો ઉઠી રહ્યા છે.જેથી પ્રવાસીઓ અને સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન વિવિધતમ કાર્યક્રમો,પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે, જેથી સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓને મનોરંજનની સાથે મુશ્કેલીનો સામનો કરવાની નોબત ન પડે.ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ આ બાબતો પર ધ્યાન આપશે કે પછી તમામ બાબતોને ઘોળીને પી જશે તે આવનાર સમય જ બતાવશે..





