GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદારે અલાલી પાસે ઝડપ્યું પંચરાઉ લાકડા ભરેલું ટ્રેક્ટર: વેજલપુરના વેપારી સામે નોંધાઈ ફરિયાદ.

તારીખ ૦૬/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતા તત્વો સામે મામલતદાર તંત્રે લાલ આંખ કરી છે. કાલોલ મામલતદાર વિકાસ પટેલ દ્વારા અલાલી ગામની શાળા પાસેથી રાત્રિના સમયે પંચરાઉ લાકડા ભરીને જતાં એક ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, કાલોલ મામલતદાર વિકાસ પટેલ દ્વારા બુધવારે રાત્રે અલાલી નિશાળ પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર (નંબર: GJ 07 AA 7667)ને રોકવામાં આવ્યું હતું. મામલતદારે ટ્રેક્ટર ચાલક પાસે લાકડાના વહન અંગેની પાસ-પરમિટ માંગતા, ચાલક કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા કે પાસ-પરમિટ રજૂ કરી શક્યો ન હતો.વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ પંચરાઉ લાકડા એરાલ ગામના રહીશ ભગવાન ભાઈ વખતભાઈના માલિકીના સર્વે નંબરમાંથી કોઈપણ જાતની વહીવટી મંજૂરી વગર કાપવામાં આવ્યા હતા. આ લાકડા વેજલપુરના વેપારી ફારૂક ઘડા દ્વારા ટ્રેક્ટરમાં ભરાવીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યા હતા.કોઈપણ પ્રકારની પરમિટ ન હોવાથી મામલતદાર વિકાસ પટેલે ત્વરિત કાર્યવાહી કરી ટ્રેક્ટરને પંચરાઉ લાકડાના જથ્થા સાથે જપ્ત કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી દીધું છે. આ અંગે વન વિભાગ અને સંબંધિત તંત્રને જાણ કરી વેપારી સહિત સંકળાયેલા ઇસમો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદારની આ અચાનક રેડથી ગેરકાયદેસર લાકડાનો વેપાર કરતા તત્વોમાં ફાળ પડી ગઈ છે.

Back to top button
error: Content is protected !!