કુદરત સામે તબીબોની જીત: સુરેન્દ્રનગરમાં માત્ર 750 ગ્રામ અને 1 કિલોના જોડિયા શિશુઓએ 55 દિવસની જંગ બાદ મેળવ્યું નવજીવન

તા.06/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમા દરેક માતા-પિતા માટે તેમના બાળકના જન્મની ક્ષણ અતિ આનંદદાયક હોય છે, પરંતુ જ્યારે બાળક અધૂરા માસે અને અત્યંત ઓછા વજન સાથે જન્મે ત્યારે પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાઈ જતા હોય છે. આવી જ એક સંવેદનશીલ અને પડકારજનક ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે, જ્યાં અધૂરા માસે જન્મેલી બે જોડિયા બાળકીઓએ તબીબોની સઘન સારવાર અને પોતાના અતૂટ જીવનબળના જોરે જીવનની જંગ જીતી લીધી છે. સુરેન્દ્રનગરના એક દંપતીને ત્યાં અધૂરા માસે બે જોડિયા દીકરીઓનો જન્મ થયો હતો. જન્મ સમયે એક બાળકીનું વજન માત્ર 750 ગ્રામ અને બીજી બાળકીનું વજન 1 કિલોગ્રામ હતું. અત્યંત ઓછું વજન હોવાને કારણે બંને નવજાત શિશુઓની સ્થિતિ ખૂબ જ નાજુક અને ગંભીર હતી. આવી કટોકટીની સ્થિતિમાં બંને બાળકીઓને તાત્કાલિક સુરેન્દ્રનગરની સી. જે. હોસ્પિટલના એન. આઈ. સી. યુ. વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. સતત 55 દિવસનો કપરો અગ્નિપરીક્ષાનો સમય
જન્મ સમયે શિશુઓનું વજન અત્યંત ઓછું હોવાથી તબીબી ટીમ સામે અનેક જટિલ પડકારો ઊભા થયા હતા શ્વાસોશ્વાસની ગંભીર તકલીફ જેમાં ફેફસાં પૂર્ણ રીતે વિકસિત ન હોવાથી કૃત્રિમ શ્વાસ અને વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાત, શરીરનું તાપમાન જાળવવું અત્યંત ઓછું વજન હોવાથી ઇન્ક્યુબેટરમાં રાખી તાપમાન નિયંત્રિત કરવું, પોષણ અને ચેપ સામે રક્ષણ અત્યંત નબળી રોગપ્રતિકારક શક્તિ વચ્ચે ચેપથી બચાવીને નળી વાટે બારીક માત્રામાં યોગ્ય પોષણ પૂરું પાડવું.
તબીબી ટીમનું સમર્પણ અને નવજીવન
બાળ રોગ નિષ્ણાત ડો. હરદીપસિંહ જાડેજા, અને ડો. દેવવ્રતસિંહ પરમાર અને તેમની અનુભવી નર્સિંગ ટીમે દિવસ-રાત જોયા વગર આ બંને શિશુઓ પર સતત નિરીક્ષણ રાખ્યું. આધુનિક તબીબી સારવાર, નિષ્ણાત ટીમની અથાક મહેનત અને માતા-પિતાના અખૂટ વિશ્વાસના કારણે બંને શિશુઓની સ્વાસ્થ્ય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો.
સતત 55 દિવસની સઘન સારવાર બાદ બંને દીકરીઓ સંપૂર્ણપણે સ્વસ્થ, સ્થિર અને ભયમુક્ત થતાં હોસ્પિટલમાંથી ખુશીના માહોલ વચ્ચે રજા આપવામાં આવી છે. સી. જે. હોસ્પિટલની આ સફળતાએ સુરેન્દ્રનગરમાં આધુનિક નવજાત શિશુ સારવાર ક્ષેત્રે વધુ એક પ્રેરણાદાયી અને નોંધપાત્ર સિદ્ધિ અંકિત કરી છે.




