MORBI:મોરબી નજીક અણીયારી ચોકડી પરથી કતલખાને લઈ જવાતા ૧૦ અબોલ જીવને ઉગારી લેવાયા: ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કામગીરી

MORBI:મોરબી નજીક અણીયારી ચોકડી પરથી કતલખાને લઈ જવાતા ૧૦ અબોલ જીવને ઉગારી લેવાયા: ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કામગીરી
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ ગૌરક્ષા સંગઠનોના કાર્યકરો તથા પોલીસ પ્રશાસનના સંયુક્ત પ્રયાસોથી ૧૦ અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક કતલખાને ધકેલાતા બચાવી લેવામાં સફળતા મળી છે.
મળેલી વિગતો અનુસાર, તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવારના રોજ વહેલી સવારે મોરબી તથા ચોટીલા ગૌરક્ષકોને ગુપ્ત બાતમી મળી હતી કે કચ્છ (અંજાર) તરફથી એક ટાટા પીકઅપ ગાડી (નંબર: GJ 03 ZZ 2533) માં ઘાસચારા કે પાણીની કોઈ જ સુવિધા વિના, ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધીને મોટા પ્રમાણમાં જીવોને માળીયા-હળવદ થઈ અમદાવાદ તરફ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.
બાતમીના આધારે મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોએ માળીયા નજીક વોચ ગોઠવી હતી. સંદિગ્ધ વાહન નજરે પડતાં જ ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો અને અણીયારી ચોકડી પાસે ગાડીને રોકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી કોઈ પણ જાતના પાસ-પરમિટ વગર અમાનુષી રીતે બાંધેલા ૧૦ જીવ મળી આવ્યા હતા. પૂછપરછમાં ચાલકે આ જીવોને કચ્છના અંજાર બાજુથી ભરીને અમદાવાદ ઢોર બજારમાં કતલ અર્થે લઈ જવાતા હોવાની કબૂલાત કરી હતી.
આ કામગીરી દરમિયાન સ્થળ પરથી ગાડી સહિત ૨ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને ત્વરિત જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ ૧૦ જીવોને સલામત રીતે મુક્ત કરાવી મોરબી પાંજરાપોળ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.
આ સફળ રેસ્ક્યુ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા ગૌરક્ષક ટીમ તથા લીંબડી ગૌરક્ષક ટીમના કાર્યકરો સાથે મોરબી તાલુકા પોલીસ અધિકારીશ્રીઓ અને પ્રશાસનનો સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો.








