MORBI:મોરબીના બેલા ગામની સીમમાં ‘નેક્ષા સ્પા’ પર SOG ના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો

MORBI:મોરબીના બેલા ગામની સીમમાં ‘નેક્ષા સ્પા’ પર SOG ના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની ટીમે શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને સરકારી જાહેરનામાના અમલવારી સંદર્ભે હાથ ધરેલા પેટ્રોલીંગ દરમિયાન જેતપર રોડ પર આવેલ બેલા ગામની સીમમાંથી એક સ્પા પાર્લર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
મળતી વિગતો અનુસાર, SOG ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જેતપર રોડ પર બહુચર કોટા નજીક આવેલ કોમ્પ્લેક્સના બીજા માળે સંચાલિત ‘નેક્ષા સ્પા’ (Nexa Spa) માં આકસ્મિક મોજ-તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ સમયે સ્થળ પર હાજર સ્પા સંચાલક પ્રિન્સ ભરતભાઈ વાઢેર (ઉં.વ. ૨૦, રહે. પાવનપાર્ક-૨, સામાકાંઠે, મોરબી, મૂળ રહે. સોનપરા, તા. ગીર ગઢડા) ની ગહન પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના નિયમો અનુસાર સ્પામાં જરૂરી સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ડેટા પણ જાળવવામાં આવ્યો ન હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના સરેઆમ અનાદર અને નિયમોના ભંગ બદલ SOG પોલીસે સ્પા સંચાલક પ્રિન્સ વાઢેર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







