BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

7 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દલપુરા-હડાદ ખાતે યોજાશે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ તા.૧૩ ઓગસ્ટે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું કરાશે આયોજન.’હર ઘર તિરંગા’ અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને અનુરોધ કરતા કલેકટરશ્રી મિહિર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરાશે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં તા.૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને વંદે માતરમના ૧૫૦ વર્ષની થીમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સુનિયોજિત આયોજન, સમયસર કામગીરી અને પરસ્પર સંકલન સાથે કાર્યક્રમોને સફળ બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશ માટે સમર્પણની ભાવના મજબૂત બનાવતું અભિયાન છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૪ ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવશે, જ્યારે તા. ૧૩ ઓગસ્ટે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સામાજિક સંગઠનોના સહયોગથી તિરંગા અભિયાનને વ્યાપક જનભાગીદારી સાથે સફળ બનાવવામાં આવશે.કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તા.૧૫ ઓગસ્ટે બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સર્વોદય આશ્રમ, દલપુરા, તા. હડાદ ખાતે ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાશે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજવંદન, દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત આયોજનો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાન તથા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને સફળ બનાવવા માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Back to top button
error: Content is protected !!