
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરીના પાણીબાર ગામની સીમમાંથી LCB ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો – ઈકો ગાડી સહિત રૂ.5.11 લાખનો મુદ્દામાલ કબજે
અરવલ્લી એલસીબીની કાર્યવાહી, ગુપ્ત ખાનામાં સંતાડેલી 368 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો ; બે ઈસમો ફરાર
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીબાર ગામની સીમમાંથી મારૂતી ઈકો ગાડીના ગુપ્ત ખાનામાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂની 368 છૂટી બોટલો તથા ઈકો ગાડી મળી કુલ રૂ.5,11,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી અરવલ્લી દ્વારા ગેરકાયદેસર પ્રોહિબિશન સહિતની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની અધ્યક્ષતા હેઠળ પો.સ.ઈ. વી.જે. તોમર, પો.સ.ઈ. વી.ડી. વાઘેલા તથા એલસીબી ટીમ ખાનપુર ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી.
દરમિયાન કંથારીયા તરફથી આવતી સફેદ રંગની મારૂતી ઈકો ગાડી નંબર GJ-01-KH-0409 શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ગાડીના ચાલકે ગાડી ઉભી રાખ્યા બાદ પાણીબાર ગામની સીમમાં રોડની સાઈડમાં ગાડી મૂકી દીધી હતી અને ગાડીમાં સવાર ચાલક સહિત બે ઈસમો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.પોલીસે ગાડીની તપાસ કરતા પાછળની નંબર પ્લેટની નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છૂટી બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન કુલ 368 બોટલ, કિંમત રૂ.1,11,300નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે દારૂ ઉપરાંત રૂ.4 લાખની મારૂતી ઈકો ગાડી પણ કબજે કરી હતી. આમ, દારૂ અને વાહન સહિત કુલ રૂ.5,11,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે ઈસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ઈકો ગાડીનો ચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્ય ઈસમ નામઠામ વગર ફરાર હોવાથી બંનેને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.





