
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ચાલુ ચોમાસાની સિઝનમાં પડેલા અતિભારે વરસાદના કારણે નેત્રંગમાંથી પસાર થતી અમરાવતી નદી પર બનાવેલ કોઝવે કમ નાળાનું ૩૫ વર્ષ બાદ પ્રથમ વખત મોટું ધોવાણ થયું છે. જેના કારણે ભાટાકંપની ફળિયું, નવી વસાહત અને ફોકડી, વડપાન ગામના લોકોનો નેત્રંગ નગર સાથેનો સંપર્ક ખોરવાયો છે.
નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તાર અને જલારામ મંદિર પાસેથી વહેતી અમરાવતી નદીના સામે કિનારે આવેલા ગામોને જોડવા માટે ભરૂચ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા આશરે ૩૫ વર્ષ પહેલા આ કોઝવે કમ નાળુ બનાવવામાં આવ્યું હતું.
છેલ્લા ૩૫ વર્ષથી દર ચોમાસામાં અમરાવતી નદીમાં અનેક વખત ઘોડાપૂર આવ્યા હોવા છતાં આ નાળુ અડીખમ રહ્યું હતું. પરંતુ તા. ૩૦ અને તા. ૩૧ જુલાઈના રોજ આવેલા ભારે ઘોડાપૂરમાં નાળાના એક બાજુના ઉપરના ભાગનો સ્લેબ પાણીના જોરદાર પ્રવાહમાં ઉખડી જતા મોટું ભગાણ પડ્યું છે.
સ્લેબ તૂટી જવાના કારણે હાલ નાળા પરથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. તૂટેલા ભાગમાંથી પસાર થવું જોખમી હોવાથી અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો માર્ગ-મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કરવામાં નહીં આવે અને ચોમાસામાં ફરીથી ઘોડાપૂર આવે તો સમગ્ર નાળુ તણાઈ જવાની શક્યતા છે.
આમ પ્રજાએ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક તકેદારીના પગલા લઈ નાળાનું રીપેરીંગ કરવા માંગ કરી છે. સાથે જલારામ મંદિરથી લઈને સામે કિનારા સુધી પાકો રસ્તો બનાવવાની પણ માંગ કરવામાં
આવી રહી છે.



