BHARUCHNETRANG

યુવાનો માટે સુવર્ણ તક : નેત્રંગમાં ભવ્ય રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા…

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) સંચાલિત યુવા જંક્શન નેત્રંગ તથા જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગ ખાતે ભવ્ય રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવા, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) પ્રોગ્રામ સ્પેશ્યલિસ્ટ પોલ મકવાણા, કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમાર, જગદીશ પટેલ ઉદિશા કો-ઓર્ડીનેટર, કોલેજના સ્ટાફગણ, યુવા જંક્શન ટીમ, તેમજ જિલ્લા રોજગાર કચેરી તરફથી રોહિત રાઠોડ, પ્રજ્ઞેશભાઈ, સંજયભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રોજગાર ભરતી મેળામાં કુલ 225 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. આ ભરતી મેળામાં MRF Tyre (Dahej), Timken India (Bharuch), LIC of India, SBI Life Insurance (Ankleshwar), Flometalic, ANK Solar, Sundrop, Yuva Shakti, Ashahi Modi Material, Borosil અને Standard Enterprise જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લઈ ૨૦૦ થી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી.

મેળામાં ભાગ લેનારા યુવાનોમાં રોજગારી મેળવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓએ ઉમેદવારોના જ્ઞાન, કૌશલ્ય અને પ્રતિભાવની પ્રશંસા કરી હતી.

પસંદ થયેલા ઉમેદવારોની અધિકૃત યાદી સંબંધિત કંપનીઓ (Employers) દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન અને આગળની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવશે.

આ રોજગાર ભરતી મેળો તાલુકાના યુવાનોને રોજગારીની ઉત્તમ તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહાનુભાવો, સહયોગી સંસ્થાઓ, કોલેજ પરિવાર, ભાગ લેનાર કંપનીઓ, જિલ્લા રોજગાર કચેરી અને યુવા જંક્શન ટીમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા.

Back to top button
error: Content is protected !!