જિલ્લા કલેકટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
****
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી ૬ આધુનિક રેસ્ક્યુ સુપ્રત કરાઈ
***
રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહમાં વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ અને ભરુચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ
****
ભરૂચ: શનિવાર – જિલ્લા કલેકટર કચેરી ભરુચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ‘ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ’ (GCPL) કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત ૬ જેટલી આધુનિક ‘રેસ્ક્યુ બોટ’ ફાળવવામાં આવી છે. સંભવિત પૂર કે જળ-આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો.
આ તકે વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ અને ભરુચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈપણ પ્રકારની જળ-આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ ૬ બોટ પૈકી ૩ બોટ ભરૂચ નગરપાલિકાને અને ૩ બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે. જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓ અને કાંઠાના વિસ્તારોને સેવા પૂરી પાડશે. જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના (અંકલેશ્વરઅને હાંસોટ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરશે.
નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસરશ્રીની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમ’ને બોટ હેન્ડઓવર કરવામાં આવી છે, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ ઉપલબ્ધ છે.
ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના આ સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા વધુ સુદ્રઢ બનશે.
આ તકે, ધારાસભ્ય શ્રી અરૂણસિંહ અને ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર શ્રી, ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL) કંપની દહેજના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રેસ્ક્યુ બોટની મુખ્ય તકનીકી વિશેષતાઓ:
* બોટનો પ્રકાર: આ બોટ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી રબર બોટ (Inflatable Rubber Boat) છે, જેમાં હવા ભરીને કોઈપણ સ્થળે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.
* એન્જિન શક્તિ: બોટમાં ૩૦ હોર્સપાવર (30 HP) ક્ષમતાનું શક્તિશાળી ‘સુઝુકી’ (Suzuki) કંપનીનું એન્જિન જોડવામાં આવ્યું છે.
* વહન ક્ષમતા: પ્રત્યેક બોટ એક સમયે ૧૦ વ્યક્તિઓની વહન ક્ષમતા ધરાવે છે.




