GUJARATKUTCHMUNDRA

આરોગ્ય ક્ષેત્રે ઓનલાઇન બહિષ્કારના નામે કર્મચારીઓ સામે ચાલીને પોતાના જ ગળામાં ‘સ્માર્ટ ઘંટ’ તો નથી બાંધી રહ્યા ને???

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

આરોગ્ય ક્ષેત્રે ઓનલાઇન બહિષ્કારના નામે કર્મચારીઓ સામે ચાલીને પોતાના જ ગળામાં ‘સ્માર્ટ ઘંટ’ તો નથી બાંધી રહ્યા ને???

 

મુંદરા, તા.૮ ઓગસ્ટ ૨૬ :

રાજ્યના આરોગ્ય વિભાગમાં હાલમાં બે સંગઠનો દ્વારા ઓનલાઈન કામગીરીના બહિષ્કાર અને ₹૫,૦૦૦ ના માસિક ભથ્થા તેમજ સરકારી સ્માર્ટફોનની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વિરોધના વંટોળ વચ્ચે સાચી હકીકત કંઈક અલગ જ છે જે અત્યારે આરોગ્ય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આરોગ્ય વિભાગના વાસ્તવિક વહીવટી માળખા પર નજર કરીએ તો ગામડાઓમાં કામ કરતી આશા બહેનોને માત્ર કામ આધારિત પ્રોત્સાહક ભથ્થું (ઇનામની રકમ) મળે છે જ્યારે ફિલ્ડના કર્મચારીઓ (FHW, MPW, CHO) ને સારા પગાર ઉપરાંત કામગીરી પેટે દર મહિને ₹૫,૫૦૦ થી ૧૦,૦૦૦ સુધીનું વધારાનું પ્રોત્સાહક ફેરણી ભથ્થું ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓને અનલિમિટેડ કૉલિંગ અને ડેટા સુવિધાવાળા જીઓ કંપનીના સરકારી સીમકાર્ડ તો અપાયેલા જ છે અને મહિલા આરોગ્ય કર્મચારીને દર વર્ષે મોબાઈલ મેન્ટેનન્સ પેટે ₹૩,૩૩૩ ચુકવાય જ છે. સાતમાંથી મોટાભાગની ઓનલાઈન એન્ટ્રીઓ લોકેશન-બેઝ્ડ ન હોવાથી સબ સેન્ટર/પ્રા.આ.કેન્દ્ર ઉપર બેસીને શાંતિથી કરી શકાય તેમ છે.

હવે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુનિયન દ્વારા વળતર અને સ્માર્ટફોનની વારંવાર કરાતી માંગણી સાચે જ માસ્ટર સ્ટ્રોક છે કે પછી ‘આત્મઘાતી પગલું’? આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જો કર્મચારીઓ સામે ચાલીને મોબાઈલની જીદ કરશે તો સરકાર જથ્થાબંધ ભાવે એવા સ્માર્ટ મોબાઈલ ખરીદવાની વિચારણા કરી રહી છે જેમાં ઇનબિલ્ટ સરકારી સીમ અને ૨૪ કલાક ચાલુ રહે તેવું લોકેશન બેઝ ટ્રેકર હશે. આનાથી કર્મચારી કયા ઘરમાં કેટલો સમય રોકાયો તે તમામ પળેપળનું લોકેશનનું ટ્રેકિંગ સરકારી કચેરીમાં બેઠા બેઠા થશે. અગાઉ બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધશે? ની વાર્તા આપણે સાંભળી જ છે પરંતુ અહિયાં તો કર્મચારીઓ સામે ચાલીને પોતાના જ ગળામાં ‘સ્માર્ટ ઘંટ’ બાંધવાની માંગણી કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આવેગ અને આવેશમાં આવીને એવી માંગણી ન કરી બેસીએ કે જેથી ભવિષ્યમાં આખી કેડર પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે! વિરોધ કરતા પહેલા દરેક કર્મચારી અને તેના સંગઠને આ વહીવટી વાસ્તવિકતા અને પરિણામો અંગે ગંભીરતાથી આત્મચિંતન કરવું અત્યંત જરૂરી છે.

બીજી તરફ આ તમામ કામગીરીનું સઘન મોનીટરીંગ કરી લોકેશન બેઝ ફોટોગ્રાફ સાથે રિપોર્ટિંગ કરનાર સુપરવાઈઝરને વગર ઇનામે નોટિસ આપી સન્માનવામાં આવ્યાની વાત પણ ભારે ચર્ચામાં છે.

હજુ ગયા મહિને જ કચ્છ જિલ્લાના અમુક હેલ્થ સુપરવાઈઝરને અતિશય વસ્તી, સંસાધનોનો અભાવ અને બેવડા ચાર્જના અસહ્ય દબાણ વચ્ચે એકસાથે ત્રણ-ત્રણ કારણદર્શક નોટિસો પધરાવી દેવાઈ એ સમયે પીડિત કર્મચારીઓએ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના યુનિયન હોદ્દેદારો પાસે ન્યાયની ગુહાર લગાવી ત્યારે “આ તમારી વ્યક્તિગત નોટિસ છે, ખુલાસો તમારે જ આપવો પડશે” એવો ઠંડો જવાબ આપીને એકલા છોડી દેવાયા હતા. આજે એ નોટિસોની શાહી પણ સુકાઈ નથી ત્યાં માત્ર એક સામાન્ય પરિપત્ર આવતા જ ‘એકતા’ ના નામે બહિષ્કારના પોસ્ટરો ફરતા થઈ ગયા છે! આ પરિસ્થિતિ જૂની કહેવત “ધીરુ બાપલિયા… મુજ વીતી તુજ વીતશે” ની યાદ અપાવે છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!