જાપાનમાં ‘ડોલ્ફિન’ વાવાઝોડાએ તબાહી મચાવી, 50,000થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો

જાપાનના દક્ષિણી ઓકિનાવા પ્રાંતમાં શનિવારે ‘ટાયફૂન ડોલ્ફિન’ વાવાઝોડું ભારે પવન અને વરસાદ સાથે ત્રાટક્યું હતું. આ વાવાઝોડાના કારણે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, અને 50,000થી વધુ મકાનોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ, ચીને તેના પૂર્વ કિનારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં બંદરો બંધ કરી દીધા છે, અને ફેરી સર્વિસ સ્થગિત કરી દીધી છે.
ઓકિનાવામાં પવનના જોરદાર સુસવાટાને કારણે ત્રણ વૃદ્ધો પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે કાગોશિમા પ્રાંતમાં પણ એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કાગોશિમામાં લગભગ 39,000 અને ઓકિનાવામાં 12,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જાપાની એરલાઇન્સ ઓલ નિપ્પોન એરવેઝ(ANA) અને જાપાન એરલાઇન્સે ઓકિનાવા જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ 162 કિમી/કલાકથી વધીને 216 કિમી/કલાક સુધી પહોંચી ગઈ હતી.
ચીનમાં રવિવારના મોડી રાત અથવા સોમવારની વહેલી સવારે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. ચીનના સત્તાવાળાઓએ તેને ઑરેન્જ-કેટેગરીનું વાવાઝોડું જાહેર કર્યું છે. પૂર અને ભૂસ્ખલનની આશંકાને પગલે ઇમરજન્સી રિસ્પોન્સ સ્તર વધારી દેવામાં આવ્યું છે. ઝેજિયાંગ પ્રાંત અને ફુજિયાન પ્રાંત વચ્ચે વાવાઝોડું જમીન પર ત્રાટકી શકે છે. ચીનના રાષ્ટ્રીય દરિયાઈ પૂર્વાનુમાન કેન્દ્રે દરિયામાં 5થી 8 મીટર (16થી 26 ફૂટ) ઊંચા મોજાં ઉછળવાની આગાહી સાથે રેડ ઍલર્ટ જારી કર્યું છે.
ઝેજિયાંગ પ્રાંતમાં બંદરની તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. ઝેજિયાંગના નિંગબો લિશે ઇન્ટરનેશનલ ઍરપૉર્ટે રવિવારે તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. તાઈવાનમાં પણ વાવાઝોડાના કારણે 78 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.




