સુરેન્દ્રનગર મનપા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “તિરંગા યાત્રા”નું ભવ્ય આયોજન

તા.09/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૮:૦૦ કલાકે મહાનગર પાલિકા કક્ષાની “તિરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા સવારે ૮ કલાકે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કચેરીથી પ્રસ્થાન કરશે. ત્યાંથી અજરામર ટાવર, રાજ હોટલ પાસે આવેલ રેલવે અંડર બ્રિજ, મેગામોલ, એમ. પી. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બસ સ્ટેશન, અને ઉપાસના સર્કલ થઈને એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન થશે. જેમાં સાયકલ સવાર, બાઈક રાઇડર અને પગપાળા ચાલનારા યાત્રાળુઓ જોડાશે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને નવનાત વણિક સમાજ દ્વારા એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ, વૃક્ષ રોપાનું વિતરણ, ‘હર ઘર સ્વચ્છતા, ઘર ઘર સ્વચ્છતા’ કાર્યક્રમ તેમજ ડ્રાયફ્રૂટ કિટનું વિતરણ કરવામાં આવશે. NCC કેડેટ્સ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ, સામાજિક અને ધાર્મિક સંગઠનો તેમજ કલાવૃદો આ યાત્રામાં ઉત્સાહભેર જોડાશે. યાત્રા દરમિયાન રૂટ પર આવતી તમામ પ્રતિમાઓને મહાનુભાવો પુષ્પાંજલિ અર્પણ કરાશે. સમગ્ર શહેરના સર્કલો, ઇમારતો અને પ્રતિમાઓને વિશેષ લાઈટિંગથી શણગારવામાં આવશે. વેપારી સંગઠનો અને નાગરિકો માટે સ્વાગત પોઈન્ટ્સ પણ માર્ક કરાશે. ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષની ઉજવણી અંતર્ગત યાત્રાના સમાપન સ્થળ શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે સામૂહિક રાષ્ટ્રગાન યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને આ દેશભક્તિના પાવન પર્વમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.



