શ્રાવણ પહેલા જ મુશ્કેલી:ત્રણ ફાણસ-હનુમાન મંદિર રોડની ખરાબ હાલત, મંદિરે જવું મુશ્કેલ,પાલિકા ઉપપ્રમુખે કહ્યું કાલથી રોડ કામ શરૂ કરાવાશે.

તારીખ ૦૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંદર દિવસ પહેલા કાલોલ નગરપાલિકા ના વોર્ડ નંબર ૩માં આવેલ ‘ત્રણ ફાણસ’થી ‘હનુમાન મંદિર’ સુધીના માર્ગ પર સી.સી. ટ્રિમિક્સ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન રોડનું યોગ્ય લેવલિંગ જાળવવામાં આવ્યું ન હોવાનું તેમજ પી.સી.સી. કામગીરીમાં ધોરણ મુજબની ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાન પર આવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ શેઠ ફળિયાના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે રૂબરૂ નિરીક્ષણ કરી કામગીરી નિયમ મુજબ ન થતી હોવા અંગે કોન્ટ્રાક્ટર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. સામા વરસાદે સીસી રોડ બનાવવાના સમય સામે પણ ભારે વિરોધ દર્શાવ્યો હતો.રહીશોના તીવ્ર વિરોધ અને વિરોધ પ્રદર્શનને પગલે રોડનું નિર્માણ કાર્ય તાત્કાલિક ધોરણે અટકાવી દેવાની ફરજ પડી હતી જોકે પાલિકા ઉપપ્રમુખ દ્વારા ગુણવતા યુક્ત કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેમ છતાં પણ છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારમાં ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે અને કામ શરૂ કરવામાં આવ્યું નથી જેથી લોકોને અવરજવર મા ભારે તકલીફ પડી રહી છે કાલોલ ની આસ્થાનું કેન્દ્ર સમા મુખ્ય મંદિરો પણ આ વિસ્તારમાં આવેલા છે નજીકમાં જ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે રણછોડજી મંદિર ના પ્રવેશદ્વાર પર ગંદુ પાણી ભરાઈ ગયું છે તેથી દર્શનાર્થીઓ ને ભારે તકલીફ પડી રહી છે ખાડા ને કારણે રણછોડજી મંદિર થી ગોવર્ધનનાથજી મંદિર તરફ જતો રસ્તો પણ બિસ્માર થયો છે અને ટુ વ્હીલર ચાલકો ને વાહન ઉપરથી ઉતરી ને પસાર થવાની ફરજ પડી રહી છે ત્યારે હિન્દુઓના નામે મતો મેળવી સત્તા મા આવીને જો હિન્દુઓના પવિત્ર મંદિર મા જવાનો રસ્તો બનાવી ના શકાતો હોય તો એવી સત્તા ને શુ કરવાની એવું સ્થાનિક શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે. પાલીકા તંત્ર સત્વરે ઊંઘમાંથી ઊઠી આ રસ્તો બનાવે તેવી માંગ છે. કાલોલ નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી નો સંપર્ક કરતા આવતીકાલ થી રોડ નુ કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.







