GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર કચેરી બહાર સીઝ ડમ્પરમાં કારસો: ઓવરલોડ ખનીજ છુપાવવા ઉપર નંખાયા ઈંટોના રોડા.!!

તારીખ ૦૯/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે મામલતદાર અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો પરથી દંડનીય કાર્યવાહીમાંથી બચવા માટે ખનીજ માફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખવાનો હીન પ્રયાસ સામે આવ્યો છે. રાજકીય દબાણો નિષ્ફળ જતાં આખરે રાતોરાત સીઝ કરાયેલા વાહનોમાં ઈંટોના ટુકડા અને રોડા નાખીને સમગ્ર મામલો રફેદફે કરવાનો ખેલ રચવામાં આવ્યો છે.

ગુરુવારના રોજ કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે વહન કરાતું કુલ ૮૯.૫ મેટ્રિક ટન GSB ખનીજ સાથે બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા:પ્રથમ વાહન: અલીન્દ્રા ખાતેથી બપોરે ૧૨:૩૦ વાગ્યે ડમ્પર (નં. GJ 23 AY 9139) અટકાવવામાં આવ્યું હતું. ડ્રાઇવર ઇકબાલ જાફરખાન પઠાણ (રહે. ઘુમટા, તા. ઉમરેઠ) પાસેથી તપાસતા અંદાજે ૪૩ મેટ્રિક ટન GSB ખનીજ મળી આવ્યું હતું.બીજું વાહન: બાકરોલ ખાતેથી બપોરે ૧:૦૦ વાગ્યે ડમ્પર (નં. GJ 23 AW 4631) પકડાયું હતું. ડ્રાઇવર સોઢા અમરસિંહ મોહનસિંહ (રહે. ખાનપુર, તા. ઉમરેઠ) પાસેથી ૪૬.૫ મેટ્રિક ટન GSB ખનીજ ઝડપાયું હતું.બંને વાહનોને બપોરે ત્રણ વાગ્યે મામલતદાર કચેરી બહાર લાવી મુકાવવામાં આવ્યા હતા. ડ્રાઇવરોના નિવેદન મુજબ, તેઓ માલિક ખુશભાઈ (રહે. સાવલી)ના કહેવાથી મહીસાગર નદીના ઉદલપુર ખાતેથી આ જથ્થો ભરી મધવાસ તરફ જઈ રહ્યા હતા. ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ, ડિલિવરી ચલાણ કે વાહન રજિસ્ટ્રેશનના કોઈ પુરાવા મળ્યા ન હોવાથી મામલતદારે સ્થળ પર જ રોજકામ કરી વાહનો સીઝ કર્યા હતા અને ખાણ-ખનીજ વિભાગને લેખિત રિપોર્ટ સોંપ્યો હતો.ખાણ ખનીજ વિભાગ તરફથી કડક દંડ અને કાયદેસરની કાર્યવાહી નક્કી જણાતાં, વાહન માલિકોએ સૌપ્રથમ રાજકીય નેતાઓને વચમાં લાવી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, રાજકીય દબાણ કામ ન લાગતાં શનિવારે રાત્રે વાહન માલિકો અને તેમના મળતિયાઓએ નવો કીમિયો અપનાવ્યો હતો.ઓવરલોડ ખનીજ પર મોટો દંડ ન ભરવો પડે તે માટે રાત્રિના અંધારામાં મામલતદાર કચેરી બહાર ઊભેલા ડમ્પરોમાં ખનીજની ઉપર ઈંટોના ટુકડા અને રોડા નંખાવી દેવામાં આવ્યા હતા, જેથી દર્શાવી શકાય કે તેમાં સામાન્ય વેસ્ટ ભરેલું છે! વાહન માલિકો ચાલાકી કરવામાં એ વાત ભૂલી ગયા છે કે: 1. વેઇંગ સ્કેલ (વજન): મામલતદાર કચેરી દ્વારા વાહનો પકડાયા તે જ સમયે તેનું અધિકૃત વજન કરાવી લેવામાં આવ્યું હતું. જો ફરીથી વજન કરાવાય તો જથ્થાની હેરાફેરી અને કીમિયો છતો થઈ જશે. 2. મીડિયાના ફૂટેજ: વાહનો સીઝ કરાયા તે સમયે જ મીડિયા કર્મીઓ દ્વારા સ્થળ પરના વીડિયો અને ફોટોગ્રાફ્સ શૂટ કરી લેવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે ઓવરલોડ GSB ખનીજ જોઈ શકાય છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માગણી છે કે તંત્રની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરનારા આવા અસામાજિક અને બેફામ બનેલા વાહન માલિકો સામે દાખલારૂપ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.

Back to top button
error: Content is protected !!