હાલોલની ફાઈનાન્સ કંપનીના ૨૩ વર્ષીય કર્મચારીએ જીવન ટૂંકાવ્યું. કાલોલ કેનાલ નજીકથી મૃતદેહ મળ્યો.

તારીખ ૦૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ખાતે માઈક્રોફિન ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતા ૨૩ વર્ષીય યુવાનના અચાનક મૃત્યુની ઘટનાએ સાવલીથી હાલોલ સુધીના વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. યુવાન ઘરેથી નોકરી પર જવા નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બોરૂ-નર્મદા કેનાલ નજીકના જંગલ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, સાવલી તાલુકાના સધાપુરા ગામના વતની વિશાલ દિલીપભાઈ સોલંકી છેલ્લા દોઢ વર્ષથી હાલોલ સ્થિત મુથૂટ માઈક્રોફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા. શુક્રવારે તેઓ પોતાની કાર લઈને રોજિંદા કામકાજ માટે ઘરેથી નીકળ્યા હતા. જોકે, દિવસ પસાર થઈ જવા છતાં તેઓ પરત ઘરે ન આવતાં પરિવારજનોને ચિંતા થઈ હતી.પરિવારજનોએ વિશાલનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોનની રિંગ વાગતી હોવા છતાં કોઈ જવાબ ન મળતાં પરિવારજનોએ તેમના મિત્રો અને પરિચિતોનો સંપર્ક કરી શોધખોળ શરૂ કરી હતી.આ દરમિયાન વિશાલના મિત્ર ધર્મેન્દ્ર જાદવ, રહે. સણસોલી, તરફથી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે બોરૂ-નર્મદા કેનાલ નજીક રસ્તાની બાજુમાં વિશાલની કાર બિનવારસી હાલતમાં જોવા મળી છે. આ માહિતી મળતાં પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આસપાસના વિસ્તારમાં વિશાલની શોધખોળ હાથ ધરી હતી.મોડી રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યાના અરસામાં બોરૂ ખાતે નર્મદા કેનાલ નજીક ઈનોક્સ કંપની સામેના જંગલ વિસ્તારમાં લીમડાના ઝાડ સાથે મફલર બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારજનોની જાણના આધારે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.વિશાલના અચાનક મૃત્યુથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવાનના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.







