
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૦૯ ઓગસ્ટ : કચ્છના માંડવી તાલુકાના બિદડા, ફરાદી અને રામાણીયાને જોડતા માર્ગ પર ફરાદી અને રામાણીયા વચ્ચે વર્ષો જૂની પાપડી (કોઝવે) આવેલી હતી. વર્ષ ૨૦૨૪માં રાજ્ય સરકારશ્રી દ્વારા આ માર્ગના વિકાસ માટે રૂ. ૮.૭૩ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભુજ દ્વારા હાલમાં આ જૂની પાપડીની જગ્યાએ નવો બોક્સ કલવર્ટ (બ્રિજ) બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.અગાઉ ચોમાસાની ઋતુ દરમિયાન જૂની પાપડી પર પાણી ફરી વળતું હોવાથી રસ્તો બંધ થઈ જતો હતો. જેના કારણે આજુબાજુના ગામોના સ્થાનિક રહીશો, ખેડૂતો, પશુપાલકો તેમજ શાળા-કૉલેજે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. તદુપરાંત, ક્યારેક ઈમરજન્સીના સમયે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાની જરૂર પડે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આ પાપડી મોટી અડચણરૂપ સાબિત થતી હતી. હવે આ નવા બ્રિજ (બોક્સ કલવર્ટ)નું નિર્માણ થવાથી લોકોને આ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થતાં બિદડા, ફરાદી, રામાણીયા અને બેરાજા સહિત આસપાસના અંદાજે ૮ જેટલા ગામોના લોકોની વર્ષો જૂની અને કાયમી સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. નવા બ્રિજના નિર્માણથી આ વિસ્તારનો વાહનવ્યવહાર હવે બારેમાસ અવિરત, સરળ અને સુરક્ષિત બની રહેશે તેમ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.




