
વિજાપુર એસટી ડેપોમાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકારના વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખી જાયન્ટ્સ વિજાપુર સહિયર દ્વારા પ્રમુખ કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ વિજાપુર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીનો સહયોગ મળ્યો હતો.
આ પ્રસંગે ડેપોના ત્રણેય યુનિયનના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ જાયન્ટ્સ વિજાપુર સહિયરની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડેપો પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવી વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણના જતન અને હરિયાળી વધારવાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ વૃક્ષોના સંરક્ષણ અને જતનનો સંકલ્પ પણ લીધો હતો.
વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર એસટી ડેપો પરિસરની સફાઈ કરવામાં આવી હતી. ડેપો પરિસરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કર્મચારીઓ તથા સહિયર બહેનોએ શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો.
દરમિયાન ગુજરાત સરકારના આહવાનને અનુસરી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગ આપવા બદલ તેમજ એસટી ડેપોની કામગીરીને લોકપ્રિયતા મળતા જાયન્ટ્સ વિજાપુર સહિયર તરફથી ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીને સન્માનરૂપે મોટી દિવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જાહેર સ્થળોની જાળવણીમાં સૌના સહયોગની અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.




