GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢમાં દર્શનાર્થે આવતા મહેસાણાના આધેડનું જીપનો દરવાજો ખુલી જતાં નીચે પટકાવાથી કરૂણ મોત,પરિવારમાં શોકનું મોજું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૮.૨૦૨૬

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના રોજ માતાજીના દર્શને આવી રહેલા મહેસાણા તાલુકાના મહેરવાળા ગામના માઈભક્ત સાથે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો.પાવાગઢ તળેટીથી માંચી તરફ જઈ રહેલી ખાનગી જીપનો દરવાજો ચાલુ ગાડીએ અચાનક ખુલી જતાં, જીપમાં બેસેલા આધેડ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડનું કરૂણ મોત નિપજતાં દર્શન પહેલાં જ પરિવાજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.મહેસાણા તાલુકાના મહેરવાળા ગામે રહેતા મહેશભાઈ ઠાકોર આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક જગતજનની માં કાલિકાના દર્શન કરવા માટે પાવાગઢ આવ્યા હતા.પાવાગઢ તળેટી ખાતે પહોંચ્યા બાદ તેઓ પરિવાર સાથે માંચી તરફ જવા માટે સ્થાનિક ખાનગી જીપમાં સવાર થયા હતા.દરમિયાન, ઘાટ રોડ પર અડધા રસ્તે પહોંચતા જ ચાલુ ગાડીએ જીપનો દરવાજો અચાનક ખુલી ગયો હતો, જેના કારણે મહેશભાઈ ઠાકોર ચાલુ વાહને રસ્તા પર નીચે ફંગોળાયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. માતાજીના દર્શનની અપાર શ્રદ્ધા સાથે નીકળેલા પરિવારમાં આ અણધારી ઘટનાને પગલે ભારે શોક છવાઈ ગયો છે.

Back to top button
error: Content is protected !!