
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
મોડાસા – ગુનાની તપાસ અને કોર્ટ કાર્યવાહી અંગે કાયદાકીય તાલીમ યોજાઈ – ત્રણ જિલ્લાના વકીલો સહિત પોલીસ કર્મીઓ રહ્યા હાજર
અરવલ્લી: ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશન, ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિવિધ ગંભીર ગુનાઓની તપાસ અને કાયદાકીય કાર્યવાહી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જીવનપુર ખાતે આવેલ ગ્રાન્ડ સર્વોતમ હોટલ ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં ગાંધીનગર ડિવિઝન ઉપરાંત ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ વકીલો, પોલીસ વિભાગના કર્મચારીઓ, મામલતદારો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ દરમિયાન નકશો, ડાઈંગ ડેકલેરેશન, ઓળખ પરેડ, પંચનામાની પ્રક્રિયા તેમજ POCSO અને NDPS સંબંધિત ગુનાઓની તપાસ અને કાયદાકીય જોગવાઈઓ અંગે નિષ્ણાતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગુનાઓની તપાસ દરમિયાન પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા, કાયદાકીય દસ્તાવેજીકરણ અને કોર્ટમાં કેસને મજબૂત રીતે રજૂ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સમાજમાં વધતા જતા વિવિધ પ્રકારના ગુનાઓને અટકાવવા માટે જરૂરી કાયદાકીય પગલાં અને અસરકારક કાર્યવાહી અંગે પણ ઉપસ્થિત કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, વકીલો તથા વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાનો અને ગુનાઓના અસરકારક નિવારણ માટે જરૂરી કાયદાકીય સમજ વિકસાવવાનો રહ્યો હતો.





