DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ સબ જેલ ખાતે ૩૨મા વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી: બંદિવાનો અને સ્ટાફે ટીમલીના તાલે ધૂમ મચાવી

તા.૦૯.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સબ જેલ ખાતે ૩૨મા વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી: બંદિવાનો અને સ્ટાફે ટીમલીના તાલે ધૂમ મચાવી

દાહોદ સબ જેલ ખાતે “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” અભિયાન અંતર્ગત ૩૨મા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બંદિવાનો અને જેલ સ્ટાફે પરંપરાગત વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે આદિવાસી લોકનૃત્ય રજૂ કર્યું હતું.જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ દાહોદ સબ જેલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ઉજવણીના ભાગરૂપે પ્રથમ જેલ કચેરી તથા બંદિવાનોની બેરેકની સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી.જેલના કર્મચારીઓ અને બંદિવાનોએ પરંપરાગત આદિવાસી વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે આદિવાસી લોકનૃત્ય રજૂ કર્યું હતું, જેનાથી સમગ્ર જેલ પરિસર ઉત્સાહમય બની ગયું હતું.દાહોદ સબ જેલના અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું કે, આદિવાસી બહુલ ધરાવતા દાહોદ જિલ્લામાં જેલવાસ દરમિયાન પણ બંદિવાનો પોતાની પરંપરા સાથે જોડાયેલા રહે અને તેમનામાં આત્મવિશ્વાસ વધે તે માટે આ આયોજન કરાયું છે.અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બંદિવાનોમાં માનવતા, શિસ્ત અને પુનઃસ્થાપનની ભાવના કેળવવાનો છે. કાર્યક્રમના અંતે જેલ પ્રશાસન દ્વારા તમામ બંદિવાનો માટે મીઠાઈ તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!