AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા એટ હોમ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા તૈયાર

દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા ‘એટ હોમ’ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સતત ચોથી વખત રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ ઔપચારિક આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી NID-અમદાવાદને સોંપવામાં આવી છે. આ કિટમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા એમ ચાર રાજ્યોની સમૃદ્ધ હસ્તકળા, પરંપરાગત કલા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશનો સુંદર સમન્વય જોવા મળે છે.

NID-અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનના આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે સતત ચોથી વખત આમંત્રણ કિટ તૈયાર કરવાની તક મળવી NID-અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ પ્રોજેક્ટ માત્ર એક આમંત્રણ કિટ તૈયાર કરવાનો પ્રયાસ નથી, પરંતુ દેશના વિવિધ પ્રદેશોમાં જીવંત રહેલી પરંપરાગત હસ્તકળા અને કારીગરોની સર્જનાત્મકતાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો પણ પ્રયાસ છે.

આ સમગ્ર પ્રોજેક્ટ માટે છેલ્લા ચાર મહિનાથી NID-અમદાવાદની ટીમ દ્વારા ચારેય રાજ્યોમાં વ્યાપક પ્રવાસ કરવામાં આવ્યો હતો. ટીમે છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ કારીગર સમુદાયો સાથે સીધો સંવાદ કરી તેમની પરંપરાગત કલા, સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણ સાથેના સંબંધને સમજવાનો પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનની ટીમ સાથે સતત ચર્ચા, સહયોગ અને અનેક તબક્કાની ડિઝાઇન પ્રક્રિયા બાદ આમંત્રણ કિટમાં સમાવિષ્ટ વિવિધ કલાકૃતિઓનું સ્વરૂપ અંતિમ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર પ્રક્રિયામાં 130થી વધુ કારીગરો ઉપરાંત NIDના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, તજ્જ્ઞો અને ટેકનિકલ સ્ટાફ સહિત 220થી વધુ લોકો જોડાયા હતા. કારીગરોએ પોતાના વિસ્તારોમાં રહીને પરંપરાગત પદ્ધતિઓથી વિવિધ કલાકૃતિઓ તૈયાર કરી હતી, જેને બાદમાં NID-અમદાવાદ ખાતે એકસાથે સંકલિત કરીને અંતિમ આમંત્રણ કિટનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આમંત્રણ કિટમાં ચારેય રાજ્યોની વિશિષ્ટ હસ્તકળાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. છત્તીસગઢની ઢોકરા કળા દ્વારા દેવકોટ જેવા પવિત્ર વનવિસ્તારોના સંરક્ષણનો સંદેશ રજૂ કરવામાં આવ્યો છે. બસ્તરની પરંપરાગત લોહ-શિલ્પ કળામાંથી ડિસ્પ્લે ફ્રેમ અને ઘંટ તૈયાર કરવામાં આવ્યા છે, જે સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરાગત ધાતુકામની સમૃદ્ધ વારસાને ઉજાગર કરે છે.

ગોવાના કલાકારો દ્વારા હાથેથી ચિતરાયેલી અઝુલેજો ટાઇલમાં ખાઝાન જમીનો અને દરિયાકાંઠાના જળપર્યાવરણને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ કૃતિ દ્વારા ગોવાના પરંપરાગત જીવન, સ્થાનિક પર્યાવરણ અને જળસંપત્તિ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશની ભીલ ચિત્રકળા દ્વારા સ્થાનિક બીજ સંરક્ષણની પરંપરાને રજૂ કરવામાં આવી છે. ભીલ સમુદાયની લોકકળા અને કુદરત સાથેના સહઅસ્તિત્વને આ કૃતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ધાર જિલ્લાના પ્રસિદ્ધ બાગ પ્રિન્ટ કાપડનો ઉપયોગ કરીને ફેબ્રિક એન્વેલપ તૈયાર કરવામાં આવ્યું છે, જે મધ્યપ્રદેશની પરંપરાગત વસ્ત્રકળાની વિશિષ્ટ ઓળખને પ્રતિબિંબિત કરે છે.

મહારાષ્ટ્રની વારલી ચિત્રકળા દ્વારા છત્રપતિ સંભાજીનગરના ખામ નદી પુનઃસ્થાપન પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યો છે. વારલી કળાની સરળ પરંતુ પ્રભાવશાળી રેખાઓ અને આકૃતિઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ તથા જળસ્રોતોના પુનઃજીવનનો સંદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આમંત્રણના બહારના કવર પર કોંકણ પ્રદેશની કાવી કળાથી પ્રેરિત વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જે મહારાષ્ટ્રની ઐતિહાસિક અને લોકકળાની પરંપરાને ઉજાગર કરે છે.

આ ઉપરાંત મહેશ્વર શૈલીમાં હાથવણાટથી તૈયાર કરાયેલ વિશેષ સ્ટોલ પણ આ સમગ્ર કિટનું એક મહત્વપૂર્ણ આકર્ષણ છે. તેમાં ચારેય રાજ્યોની વણાટ પરંપરાના પ્રાદેશિક મહત્ત્વને એકસાથે રજૂ કરવામાં આવ્યું છે. પરંપરાગત હસ્તકળા અને આધુનિક ડિઝાઇનના સંયોજનથી તૈયાર કરાયેલી આ કૃતિઓ આમંત્રણ કિટને માત્ર ઔપચારિક દસ્તાવેજ નહીં પરંતુ ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રતિનિધિ સ્વરૂપે રજૂ કરે છે.

ડૉ. અશોક મોંડલે જણાવ્યું હતું કે આ તમામ કલાકૃતિઓ કારીગરોએ પોતાના વિસ્તારોમાં અને પોતાના ઘરે પરંપરાગત પદ્ધતિઓથી તૈયાર કરી છે. ખાસ કરીને છત્તીસગઢના બસ્તર સહિતના વિસ્તારોમાં કારીગરોને રાષ્ટ્રીય સ્તરના આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડવાથી તેમની સર્જનાત્મકતાને નવી ઓળખ મળશે. નક્સલવાદની અસર ઘટ્યા બાદ બસ્તર સહિતના વિસ્તારોના કારીગરોને આવા સર્જનાત્મક અને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટમાં જોડવાથી તેમનામાં નવા ઉત્સાહનો સંચાર થશે તેમજ તેઓ મુખ્ય પ્રવાહ સાથે વધુ મજબૂતીથી જોડાઈ શકશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

NID-અમદાવાદ ખાતે ચારેય રાજ્યોમાંથી તૈયાર થઈ આવેલી વિવિધ કલાકૃતિઓનું સંકલન કરીને સમગ્ર આમંત્રણ કિટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા ‘એટ હોમ’ કાર્યક્રમ માટે આશરે 650 આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં NIDના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ ટેકનિકલ સ્ટાફની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ડિઝાઇનથી લઈને કલાકૃતિઓના સંકલન અને અંતિમ કિટ તૈયાર કરવા સુધીની વિવિધ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોએ કારીગરો સાથે સંકલન કર્યું હતું.

આમંત્રણ કિટ દ્વારા દેશના વિવિધ પ્રદેશોની પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ, સ્થાનિક સંસ્કૃતિ, કારીગરોની આજીવિકા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ જેવા રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમ માટે તૈયાર થયેલી આ કિટ ભારતીય હસ્તકળા, કારીગરોની કુશળતા અને આધુનિક ડિઝાઇનના સંગમરૂપે એક વિશિષ્ટ યાદગીરી બની રહેશે.

Back to top button
error: Content is protected !!