AHAVADANG

નવસારી-સચિન- સુરત જતા રોડના મિંઢોળા નદીના જૂના બ્રીજ પરથી હેવી લોડેડ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

સુરત-સચીન-નવસારી રોડના ૬-લેન વિસ્તરણ અંતર્ગત નવા બ્રીજનું નિર્માણ : ભારે વાહનો માટે બાજુના નવા બ્રીજનો ઉપયોગ કરવાનો રહેશે :

માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા સુરત-સચીન-નવસારી રોડ કિ.મી. ૨૧/૪ થી ૩૦/૩૬ સુધીના હયાત ફોર લેન રોડને હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૬-લેન રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે મિંઢોળા નદી પર આવેલા જૂના બ્રીજને તોડી તેની જગ્યાએ નવા બ્રીજના નિર્માણના કામને પણ મંજૂરી મળી છે.

     કામનું ખાતમુહૂર્ત થયા બાદ નવસારીથી સુરત તરફ જતા મિંઢોળા નદી પરના જૂના બ્રીજને તોડી નવા બ્રીજના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રીજના નિર્માણ કાર્ય દરમિયાન વાહન વ્યવહારને સરળ અને સલામત રાખવાના હેતુથી જૂના બ્રીજ પરથી હેવી લોડેડ વ્હીકલોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

    જે અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એન. લિખિયાએ  મળેલ સત્તાની રૂએ જાહેરનામાં દ્વારા મિંઢોળા નદી પર આવેલા જૂના બ્રીજ પરથી હેવી લોડેડ વ્હીકલોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

       નવસારીથી સુરત તરફ જતા ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે જૂના બ્રીજની બાજુમાં આવેલા નવા બ્રીજનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનચાલકોને બ્રીજ પર ચાલી રહેલી કામગીરીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

     આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!