BHUJGUJARATKUTCH

કચ્છ મ્યુઝિયમમાં ‘નાના શહેર,મોટા સપના’ પ્રદર્શનનું સમાપન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૦ ઓગસ્ટ  : ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે હુન્નરશાળા સંસ્થાના ‘અસાંજો ગ્રુપ’ દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શન ‘નાના શહેર, મોટા સપના’નું સફળતાપૂર્વક સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં યુવાનોની સર્જનાત્મકતા, કલા, સંસ્કૃતિ, પુરાતત્વ અને સ્થાનિક ઐતિહાસિક વારસાનું અદભુત સંકલન રજૂ કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે યુવાનો માટે પુરાતત્વ, સંગ્રહાલય વિજ્ઞાન અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ વિષય પર એક વિશેષ જ્ઞાનવર્ધક સત્ર તથા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘અસાંજો ગ્રુપ’ના યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતમાં યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં યુવાનોએ નિષ્ણાતો પાસેથી સચોટ માર્ગદર્શન મેળવીને વારસાના જતન પ્રત્યે પોતાનો ઊંડો રસ દાખવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજિસ્ટ ડૉ. આદિત્યસિંહજી, પુરાતત્વ વિભાગના શ્રી જયપાલસિંહજી જાડેજા‌ અને કચ્છ મ્યુઝિયમના ક્યુરેટરશ્રી ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા દ્વારા યુવાનોને પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે પુરાતત્વ, ઐતિહાસિક સ્થળોના જતન અને સંગ્રહાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સરળ ભાષામાં માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી એમ. આઈ. બાયડનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત, શ્રી જય અંજારિયા, શ્રી શૌનક શાહ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રી અભિમન્યુસિંહ ગોયલ (‘આઝાદ પંછી’) અને પ્રખ્યાત ટ્રાવેલર શ્રી વિજયજી (‘કચ્છી ટ્રાવેલર’) ની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો.આ ચાર દિવસીય પ્રદર્શનમાં નાના શહેરોના યુવાનોની પ્રતિભા, તેમનાં સપનાં અને સર્જનાત્મકતાને વિવિધ કલાત્મક માધ્યમો થકી ઉજાગર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પોતાના શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા સાથે જોડીને તેમને પ્રેરણા પૂરી પાડવાનો હતો. સોશિયલ મીડિયા અને પ્રવાસન ક્ષેત્રના અનુભવોના આદાનપ્રદાનથી યુવાનોને કચ્છના ભવ્ય ઇતિહાસ અને પ્રવાસનને ડિજિટલ માધ્યમો થકી વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેના નવા અને રચનાત્મક વિચારો મળ્યા હતા.આ કાર્યક્રમના ભાગરૂપે હુન્નરશાળા, કચ્છ મ્યુઝિયમ અને હાસ્ય પરિવાર સંઘના સંયુક્ત ઉપક્રમે પ્રખ્યાત કલાકાર શ્રી અભિમન્યુસિંહ ગોયલ (‘આઝાદ પંછી’) ના લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોકસંગીત અને આપણી ગુજરાતી સંસ્કૃતિના વિવિધ રંગોથી સભર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પરિવારોએ ઉપસ્થિત રહીને ડાયરાની મોજ માણી હતી.કાર્યક્રમના સમાપન વેળાએ ઉપસ્થિત યુવાનોએ પોતાના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ધરોહરના રક્ષણ, જતન અને તેના બહોળા પ્રચાર-પ્રસાર માટે ભવિષ્યમાં સક્રિય ભૂમિકા ભજવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. ‘નાના શહેર, મોટા સપના’ના મૂળ વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું આ સમગ્ર આયોજન કલા, સંસ્કૃતિ, પુરાતત્વ અને લોકમનોરંજનનો એક અનોખો સમન્વય બની રહ્યું હતું. ભુજના નગરજનો અને ખાસ કરીને યુવાનો માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરણાદાયી, જ્ઞાનવર્ધક અને યાદગાર અનુભવ સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!