
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૦ ઓગસ્ટ : આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PM-JAY જરૂરિયાતમંદ પરિવારો માટે કેવી મોટી રાહત બને છે તેનો જીવંત દાખલો કચ્છના રાપર તાલુકામાં જોવા મળ્યો છે. સમયસર બનાવેલા આયુષ્માન કાર્ડના કારણે સુવઈ ગામના ૪૨ વર્ષના અબ્દુલ્લા નોડેને ગંભીર અકસ્માત બાદ નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થઇ હતી.તા.૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ ટ્રેક્ટરના પંખામાં હાથ આવી જતાં અબ્દુલ્લાભાઈની આંગળીને ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપી. આ કટોકટીમાં અબ્દુલ્લાભાઈએ નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા CHO નો સંપર્ક કર્યો. CHO એ તાત્કાલિક ધોરણે અબ્દુલ્લાભાઈનું PM-JAY આયુષ્માન કાર્ડ બનાવી આપવા સાથે જ જરૂરી માર્ગદર્શન આપી વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે રીફર કર્યા હતા. જ્યાં એક પણ રૂપિયાનો ખર્ચ વિના ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિણામે તેમને કોઈપણ આર્થિક બોજ વિના સમયસર, ગુણવત્તાયુક્ત અને કેશલેસ સારવાર પ્રાપ્ત થઇ હતી.હાલ અબ્દુલ્લાભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો છે. આયુષ્માન આરોગ્ય મંદિરના સ્ટાફે તાજેતરમાં તેમના ઘરે જઈને ફોલોઅપ મુલાકાત પણ લીધી હતી.અબ્દુલ્લાભાઈએ ભારત સરકારની આયુષ્માન ભારત PM-JAY યોજના પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ કિસ્સા બાદ આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે, તમામ પાત્ર પરિવારો સમયસર પોતાનું આયુષ્માન કાર્ડ બનાવી લે, જેથી જરૂરિયાતના સમયે ગુણવત્તાયુક્ત અને કેશલેસ સારવાર સરળતાથી મળી શકે.આયુષ્માન કાર્ડ એ માત્ર કાર્ડ નથી પરંતુ મુશ્કેલીના સમયે પરિવાર માટે આર્થિક સુરક્ષા અને દર્દી માટે નવજીવન સમાન છે.




