MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વેપારી સાથે આર્મી કેન્ટમાં સેનેટરી સામાન સપ્લાયના નામે ઠગાઈ: 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ 

 

MORBI:મોરબીના વેપારી સાથે આર્મી કેન્ટમાં સેનેટરી સામાન સપ્લાયના નામે ઠગાઈ: 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

દેશની સેનાના નામે વિશ્વાસ કેળવીને વેપારીઓને ચૂનો ચોપડતી સાયબર ફ્રોડ ગેંગ સક્રિય થઈ છે. મોરબીના એક સેનેટરી વેરના વેપારીને અમદાવાદ ઇન્ડિયન આર્મી કેન્ટમાં મોટા પ્રમાણમાં સેનેટરી સામાન સપ્લાય કરવાનો આભાસી (ફેક) પર્ચેઝ ઓર્ડર આપી રૂ. 12.42 લાખથી વધુની રકમ ઓનલાઇન પડાવી લીધી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મોરબીના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા અને સેનેટરી વેરનો વેપાર કરતા હર્ષ પ્રફુલ્લભાઈ બરાસરા સાથે આ સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. ગઠિયાઓએ ઓનલાઇન વેબસાઇટ પરથી વેપારીની પેઢીનો સંપર્ક નંબર મેળવ્યો હતો. ત્યારબાદ પોતાને આર્મીમેન તરીકે ઓળખાવી, અમદાવાદ ઇન્ડિયન આર્મી કેન્ટમાં વેન્ડર સિસ્ટમ મારફતે સેનેટરી વેર ખરીદવાનો ખોટો પર્ચેઝ ઓર્ડર દર્શાવી વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યારબાદ આરોપીઓએ વેપારીને ઝાંસામાં રાખી અલગ-અલગ બેંક એકાઉન્ટ નંબર આપી વિવિધ ટ્રાન્ઝેક્શન કરાવવાના બહાને તબક્કાવાર કુલ રૂ. 12,42,184/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ ભેજાબાજોએ સંપર્ક કાપી નાખતા વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ મામલે હર્ષભાઈ બરાસરાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૃણાલ ચૌધરી, કુલદીપસિંહ તેમજ અન્ય ચાર બેંક એકાઉન્ટ ધારકો સામે પરસ્પર મેળાપીપણું કરી છેતરપિંડી આચરવા અંગે ગુનો નોંધ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરો, બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ અને ઓનલાઇન નાણાકીય વ્યવહારોના સીડીઆર (CDR) તથા લોગ્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!