
ચિમનીમાંથી નીકળતો ધુમાડો કે શ્રમિકોના શ્વાસ? જોલવામાં અનેક મોતો પછી પણ ‘પ્રદૂષણ માફિયા’ બેફામ | વાયરલ વીડિયોથી ખળભળાટ
સુરત-બારડોલી હાઇવે પર આવેલું જોલવા ગામ આજે એક એવા કાળા સત્યનું સાક્ષી બની રહ્યું છે, જ્યાં માનવ જિંદગીની કિંમત શૂન્ય અને મિલ માલિકોનો નફો સર્વોપરી છે. *‘સંતોષ ટેક્સટાઇલ મિલ’*માં તાજેતરમાં જ ઘટેલી ભીષણ આગની હોનારતમાં અનેક શ્રમિકો હોમાઈ ગયા હતા. એ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારોની આંખોના આંસુ હજુ સુકાયા નથી, ત્યાં જ આ ‘ડેથ ફેક્ટરી’ની ચિમનીઓમાંથી ફરી ઝેરી કાળો ધુમાડો ઓકવાનું શરૂ થઈ ગયું છે.
હાલમાં જ સોશિયલી વાયરલ થયેલા એક વીડિયોએ આ ઘોર બેદરકારીની પોલ ખોલી નાખી છે. ચિમનીઓમાંથી નીકળતો કાળો ડીબાંગ ધુમાડો જોઈને એવો સવાલ થાય છે કે આ મિલ ચાલી રહી છે કે માનવતાનો અગ્નિસંસ્કાર થઈ રહ્યો છે?
‘સંતોષ મિલ’ કે ઝેર ઓકતો ડેથ ટ્રેપ?
જમીની હકીકત એ છે કે ભીષણ અકસ્માત બાદ પણ મિલ સંચાલકોના પેટનું પાણી હલતું નથી. પર્યાવરણ અને સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને આસપાસના રઇશોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખેલ ખેલાઈ રહ્યો છે:
* ઘરોમાં કાળી રાખ અને ઝેરી હવા: જોલવા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ઘરોની છતો અને આંગણામાં કેમિકલયુક્ત રાખના થર જામી રહ્યા છે.
* ઘરે ઘરે બીમારીનો ખાટલો: નાનાં બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ રૂંધાવો, આંખોમાં અસહ્ય બળતરા અને ફેફસાંના ગંભીર ઇન્ફેક્શનના કિસ્સાઓ અચાનક વધી ગયા છે.
* જીવંત નરક જેવી સ્થિતિ: ગ્રામજનોનું કહેવું છે કે “અહીં રહેવું એટલે રોજ થોડું થોડું મરવું!”
તંત્રની મિલીભગત કે લાલચ? ૪ મોટા સવાલો
જે મિલમાં અનેક નિર્દોષોના કાળઝાળ મોત થયા હોય, તે મિલ બીજા જ દિવસે કોઈ પણ જાતના ડર વગર ફરી ઝેર ઓકવાનું શરૂ કેવી રીતે કરી શકે?
* GPCB નો કાળો પાટો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ના અધિકારીઓને આ વાયરલ વીડિયો અને વિષયી ધુમાડો કેમ દેખાતો નથી? શું મિલ માલિકોનો નફો અધિકારીઓના ખિસ્સા ગરમ કરી રહ્યો છે?
* NOC નું નાટક શું આ ફેક્ટરી પાસે ફાયર સેફ્ટી અને પ્રદૂષણ મુક્ત કામગીરી માટેના કાયદેસરના સર્ટિફિકેટ (NOC) છે? જો છે, તો કયા આધારે આપવામાં આવ્યા?
* ઇન્સ્પેક્ટર ફેક્ટરીઝનું મૌન શ્રમિકોના મોત બાદ કયા અધિકારીએ મિલને ફરી શરૂ કરવાની મંજૂરી આપી?
* બીજી કઈ હોનારતની રાહ? શું વહીવટી તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટના અને વધુ શ્રમિકોની લાશો પડે તેની રાહ જોઈ રહ્યું છે?
જન આક્રોશનો જ્વાળામુખી: ‘મિલ સીલ કરો અથવા ચક્કાજામ’
આ સિસ્ટમની દાદાગીરી અને બેદરકારી સામે જોલવા ગામના લોકોનો સબરનો બાંધ હવે તૂટી રહ્યો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આખરી અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે:
”અમારા સ્વજનોના જીવના ભોગે આ કાળો કારોબાર ચાલવા દેવામાં નહીં આવે. જો તાત્કાલિક અસરથી સંતોષ મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને સીલ કરવામાં નહીં આવે, તો સમગ્ર પંથક રસ્તા પર ઉતરીને કાયદો હાથમાં લેશે, હાઇવે ચક્કાજામ કરશે અને ઉગ્ર આંદોલન કરશે.”
હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચારની ઘોર નિંદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર આ જન આક્રોશ જોઈને જાગશે કે પછી લાશો પર નફો રળતા પ્રદૂષણ માફિયાઓને છાવરવાનું ચાલુ જ રાખશે!
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






