સફેદ એપ્રન પર કાળો ડાઘ.- લેખક અમિત ત્રિવેદી

સફેદ એપ્રન પર કાળો ડાઘ.-લેખક અમિત ત્રિવેદી
‘સિનિયરિટી’ના નામે થતી માનસિક હત્યાઓ ક્યારે અટકશે?
માનવતા અને સેવાની મિસાલ ગણાતા મેડિકલ ક્ષેત્રમાંથી જ્યારે કોઈ યુવાન ડૉક્ટરનો મૃતદેહ બહાર આવે, ત્યારે તે માત્ર એક પરિવારનો માળખાગત આધાર નથી તૂટતો, પણ આખા સમાજના વિશ્વાસનો શિરચ્છેદ થાય છે.
સુરતની સરકારી મેડિકલ કોલેજ (GMC) ખાતે MD માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષના તેજસ્વી વિદ્યાર્થી ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યાએ સમગ્ર ગુજરાત અને દેશના મેડિકલ આલમને હચમચાવી મૂક્યો છે. આ કિસ્સો માત્ર એક વ્યક્તિગત આપઘાત નથી, પરંતુ ‘મેડિકલ ટ્રેનિંગ’ અને ‘સિનિયરિટી’ના મુખૌટા પાછળ ચાલતા વિકૃત અહંકાર અને સંવેદનહીનતાનો ઉઘાડો પુરાવો છે.
ઘટના બાદ બનેલી એન્ટી-રેગિંગ કમિટીની તપાસના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી (Gross Negligence) બદલ ચાર રેસિડેન્ટ ડૉક્ટરોને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું આ સસ્પેન્શન માત્ર આક્રોશ દબાવવાનું નાટક છે..?
આરોપી ડોકટરો સામે લેવાયેલા પગલાં:ડૉ. નિરાલી વસાવે (Dr. Nirali Vasave) — ૬ મહિના સસ્પેન્શન, હોસ્ટેલમાંથી હાંકી કાઢ્યા
ડૉ. અનુજ મહેશ્વરી (Dr. Anuj Maheshwari) — ૬ મહિના સસ્પેન્શન, શૈક્ષણિક પ્રવૃત્તિ પર બાન
ડૉ. દિક્ષિતા ઘેવરિયા (Dr. Dikshita Ghevariya) — ૬ મહિના સસ્પેન્શન, હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ ડૉ. હિના ભૂત (Dr. Hina Bhut) — ૬ મહિના સસ્પેન્શન, એકેડેમિક એક્ટિવિટી પર રોક.આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા, ડૉ. સંગીતા રાજડે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિત જેવા હોદ્દેદારોને માત્ર ‘કારણદર્શક નોટિસ’ (Show-cause notice) ફટકારીને સંતોષ માનવામાં આવ્યો છે.
મારો સિસ્ટમ સામે સીધો સવાલ છે: શું એક આશાસ્પદ યુવાનના બુઝાઈ ગયેલા દીવા અને તેના પરિવારના આક્રંદની કિંમત માત્ર ૬ મહિનાની રજા (સસ્પેન્શન) જ છે? જે ફેકલ્ટી સભ્યોની નાકની નીચે આ અત્યાચાર આકાર લેતો હતો, તેમને માત્ર કાગળ પર નોટિસ આપીને બચાવી લેવાનો આ પ્રયાસ નથી?ભારતમાં આવી ઘટનાઓનો ઇતિહાસ રક્તરંજિત રહ્યો છે. કાગળ પરના કાયદા અને જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.સુરતની આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી. ભૂતકાળમાં પણ દેશની સર્વોચ્ચ સંસ્થાઓમાં યુવાન ડૉક્ટરો આ વિષચક્રનો ભોગ બની ચૂક્યા છે.ડૉ. પાયલ તડવી (મુંબઈ, ૨૦૧૯): BYL નાયર હોસ્પિટલની ગાયનેકોલોજી PG વિદ્યાર્થીની ડૉ. પાયલ તડવીએ ૩ સિનિયર મહિલા ડૉક્ટરોના અમાનુષી ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હતી.ડૉ. પ્રીતિ (વારંગલ, ૨૦૨૩): કાકતીય મેડિકલ કોલેજમાં રેગિંગ અને માનસિક હેરાનગતિના કારણે ઝેર પીને જીવન ટૂંકાવનાર ડૉ. પ્રીતિના કેસે સમગ્ર દક્ષિણ ભારતમાં આક્રોશ જગાડ્યો હતો.અનિલ મેથાનિયા (પાટણ, ગુજરાત, ૨૦૨૪): ધારપુર-પાટણ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થી અનિલને સિનિયરોએ રેગિંગના નામે કલાકો સુધી ઊભો રાખીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ડૉ. આશુ પરાશર (બરેલી, ૨૦૨૬): હજુ થોડા સમય પહેલાં જ બરેલી ખાતે MDના વિદ્યાર્થીએ સિનિયરોના અસહ્ય દબાણથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આટઆટલી ઘટનાઓ બનવા છતાં સરકાર શા માટે આંખ આડા કાન કરે છે..?નેશનલ મેડિકલ કમિશન (NMC) અને સંસદમાં રજૂ થયેલા આંકડાઓ જ આ ઝેરી વાતાવરણની ભયાનકતા છતી કરે છે.૨૦૧૦ થી ૨૦૧૯ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતમાં ૩૫૮ મેડિકલ વિદ્યાર્થીઓ અને ડૉક્ટરોએ આત્મહત્યા કરી છે, જેમાં ૧૦૫ માત્ર રેસિડેન્ટ ડૉક્ટરો હતા.કેન્દ્ર સરકારે ૨૦૨૩માં સંસદમાં સ્વીકાર્યું હતું કે દેશની ૫૫૯ મેડિકલ કોલેજોમાંથી ૧૨૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
“અમે પણ સિનિયરોનો ત્રાસ સહન કર્યો હતો, એટલે તમારે પણ કરવો જ પડશે” — આ વિકૃત અને માનસિક રીતે બીમાર માનસિકતા જ મેડિકલ કોલેજોમાં નવી પેઢીનો બલિ લઈ રહી છે.માત્ર આશ્વાસન નહીં, ક્રાંતિકારી બદલાવ જોઈએ! જો આપણે ડૉ. હર્ષ પંડ્યાના આકસ્મિક અવસાનમાંથી પાઠ નહીં શીખીએ, તો આ કાળો અધ્યાય ક્યારેય પૂરો નહીં થાય.
મારી સ્પષ્ટ અને કડક માંગણીઓ છે કે રેગિંગ અને માનસિક ત્રાસ આપનારા ડૉક્ટરો સામે માત્ર શૈક્ષણિક સસ્પેન્શન નહીં, પરંતુ Criminal IPC/BNS હેઠળ કેસ દાખલ કરી કાયમી લાયસન્સ રદ થવું જોઈએ.પોતાના વિભાગમાં ચાલતી માનસિક હેરાનગતિ પ્રત્યે આંખ આડા કાન કરનારા HODs સામે પણ સહ-આરોપી તરીકે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.દરેક મેડિકલ કોલેજમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને બાહ્ય કાઉન્સિલર્સની ટીમ હોવી જોઈએ જ્યાં વિદ્યાર્થીઓ ભય વિના પોતાની વાત રજૂ કરી શકે.જ્યાં સુધી દોષિતો સામે દાખલો બેસે તેવી કડક સજા નહીં થાય, ત્યાં સુધી સફેદ એપ્રન પર પડતા આ લોહીના ધાબા ભૂંસાશે નહીં!








