MORBI મોરબી સર્કિટ હાઉસમાં વકીલોને સરકારી દરે રહેવાની સુવિધા આપવા લેખિતમાં રજૂઆત

MORBI મોરબી સર્કિટ હાઉસમાં વકીલોને સરકારી દરે રહેવાની સુવિધા આપવા લેખિતમાં રજૂઆત
રાજ્યના તમામ સર્કિટ હાઉસમાં વકીલોને સરકારી દરે રહેવાની સુવિધા આપવા રજૂઆત
મોરબી રાજ્યભરના વકીલોને કોર્ટ કેસ કે ન્યાયિક કામકાજ અર્થે અન્ય જિલ્લાઓમાં પ્રવાસ કરતી વખતે રહેવા-જમવાની પડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે મોરબીના યુવા વકીલો દ્વારા ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મોરબીના ‘દવે એસોસિયેટ’ના યુવા એડવોકેટ મિતેષ ડી. દવે અને એડવોકેટ દર્શન ડી. દવે દ્વારા રાજ્યના કાયદા મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરિયા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે સૌજન્ય મુલાકાત યોજવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન યુવા વકીલોએ મંત્રીશ્રીઓ સમક્ષ માંગણી મૂકી હતી કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા સરકારી સર્કિટ હાઉસમાં વકીલોને પણ સરકારી દરે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
વકીલોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલમાં સર્કિટ હાઉસની સુવિધા મુખ્યત્વે સરકારી અધિકારીઓ માટે જ અનામત હોય છે. જેના કારણે કોર્ટના કામકાજ માટે અન્ય શહેરોમાં જતા વકીલોને મોંઘી ખાનગી હોટેલોમાં રોકાવાની ફરજ પડે છે. જો રાજ્ય સરકાર દ્વારા સર્કિટ હાઉસમાં વકીલો માટે સરકારી દરે રહેવાની નીતિ અમલમાં મૂકવામાં આવે, તો સમગ્ર રાજ્યના હજારો વકીલોને આર્થિક રાહત મળશે અને ન્યાયિક કામગીરી પણ વધુ સુગમ બનશે.માનનીય કાયદા મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ યુવા વકીલોની આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ બાબતે સકારાત્મક વિચારણા કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, મંત્રીશ્રીઓએ યુવા વકીલોની કાયદાકીય જાગૃતિ અને સામાજિક પ્રશ્નો પ્રત્યેની સજાગતાને બિરદાવી હતી.મુલાકાતના અંતે યુવા વકીલો દ્વારા બંને મંત્રીશ્રીઓને સ્મૃતિ ચિન્હ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા









