Rajkot: રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

તા.૧૧/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ – 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે ચેક વિતરણ શહેરી વિકાસ મંત્રીશ્રી – કૃષિ મંત્રીશ્રી અને રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કર્યું
નગરોમાં સુખાકારી સુવિધાઓ સિટિઝન સેન્ટ્રિક, ટ્રાન્સપેરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલૉજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તા યુક્ત પ્રજાકીય કામોમાં નાણાંનો સદુપયોગ થાય.
નવા કામોના આયોજનો સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવા તાકીદ.
પદાધિકારી-અધિકારીઓ સાથે મળીને વિકાસ કામોની સાઇટ વિઝીટ કરે.
નગરો-મહાનગરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ RCCના જ બને અને શહેરી સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય.
ગ્રીન કવર વધારવાના કામોને વેગ આપવા તાકીદ.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં નાણાના અભાવે શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખીએ: શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી નથી રહી.
એટલું જ નહિં, લોકહિતના જે કામો થાય છે તે લોકો જુએ છે અને ઈઝ ઓફ લિવિંગને પરિણામે વધુ નવા કામો માટેની લોકોની અપેક્ષાઓ જાગી છે.
મુખ્યમંત્રીશ્રી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
તેમણે શહેરી વિકાસ અને નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આ ચેક વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરોને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી.
ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ. ૮૭૦ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૭૭૦ કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૨૮૫ કરોડ, રાજકોટને રૂ. ૨૩૨ કરોડ, ભાવનગરને રૂ. ૧૦૫ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૬૫-૬૫ કરોડ પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી પ્રત્યેક શહેરને રૂ. ૫૫-૫૫ કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી.
નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે ‘અ’ વર્ગની કુલ ૪૧ નગરપાલિકાઓને રૂ. ૩૦૭.૫૦ કરોડ તથા ‘બ’ વર્ગની ૩૪ નગરપાલિકાઓને રૂ. ૨૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ. ૨૭૦ કરોડ અને ‘ડ’ વર્ગની ૧૭ નગરપાલિકાઓને રૂ. ૫૯.૫૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય. એટલું જ નહિં, જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ આર.સી.સી.ના જ બને તેની તાકીદ કરતા એમ પણ કહ્યું કે, સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તે જરૂરી છે. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.
ગ્રીન કવર વધારીને પર્યાવરણ પ્રિય શહેરો બનાવવાની હિમાયત કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી નગર વિકાસ માટે વધુ નાણાં ફાળવણીથી અર્બન ડેવલપમેન્ટનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને સર્વગ્રાહી વિકાસ કામોથી આપણે આગળ ધપાવ્યો છે. અગાઉ નગરો માટેના બજેટ ત્રણ-ચાર લાખ રૂપિયાના બનતા આજે એક જ દિવસમાં કરોડોની ગ્રાન્ટ વિકાસ કામો માટે અપાય છે તેવી સંગીન સ્થિતિ ઊભી કરી છે.
તેમણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત નગરોથી લીડ લેવા પણ ચૂંટાયેલા પદાધિકારીઓને પ્રેરણા આપી હતી.
શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ અવસરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નાણાં વિના શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ આપણે આ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરોમાં વિકાસના કામો કરવા જોઈએ.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત આપણા શહેરોને વધુને વધુ હરિયાળા બનાવવા તરફ આગળ વધવાનું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા ‘સ્વચ્છતા અભિયાન’ના કોલને આપણે સાથે મળીને આગળ વધારીશું તો શહેરો વધુ સ્વચ્છ બનશે. ૨૦૪૭ સુધીમાં અંદાજે ૭૦થી ૭૫ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે તે માટે આપણે અત્યારથી જ સુચારું ક્વોલિટી વર્ક થાય તેવું આયોજન સુનિશ્ચિત કરવું પડશે, તેમ મંત્રીશ્રીએ ખાસ ભાર મૂકતા ઉમેર્યું હતું.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણીની શરૂ કરેલી આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી જનજીવનની સુખાકારીમાં વધારો કરવાનો છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા સ્થાનિક કારીગર-કલાકારો માટે સ્વદેશી મેળા અને ઘન કચરાના નિકાલ માટે ઝોન વાઈઝ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીના ‘ગુણવત્તાયુક્ત કામ’ અને ‘સ્વચ્છ ગુજરાત’ના મિશનને વેગ આપીને ગુજરાત વિકાસની સાથે સાથે સ્વચ્છતામાં પણ દેશભરમાં પ્રથમ ક્રમે આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે “૨૦ વર્ષ શહેરી વિકાસના” તથા “અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા” કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રેમ્યા મોહન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના CEO શ્રી વીણા પટેલ, વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત કમિશનરશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.








