WAKANER:વાંકાનેરના જોધપરમાં પોલીસ અરજીની અદાવતમાં બે મહિલાઓ પર પાઇપ-લાકડી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

WAKANER:વાંકાનેરના જોધપરમાં પોલીસ અરજીની અદાવતમાં બે મહિલાઓ પર પાઇપ-લાકડી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉ થયેલી નાની-મોટી તકરાર અંગે પોલીસમાં અરજી કરવા બાબતની અદાવત રાખીને બે મહિલાઓ પર પાઇપ અને લાકડી વડે હુમલો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઈ રાઠોડ (ઉં.વ. ૪૫) નામના મહિલાએ આરોપી ભાવુબેન સોલંકી અને કિશનભાઇ સોલંકી (બંને રહે. જોધપર) વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી ભાવુબેન અગાઉ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપતા હોવાથી ફરિયાદી તે અંગે પોલીસમાં અરજી આપવા આવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી નાગલબેનને પ્લાસ્ટિકના પાઇપ વડે તથા તેમના ભત્રીજા વહુને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ સાથે જ આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









