GUJARAT

સાબર ડેરી નકલી દૂધ કૌભાંડ મામલે તપાસના નામે મીંડુ મોટા માથાઓની સંડોવણીને છાવરવામાં આવતી હોવાની લોકોમાં ચર્ચા

અસલી ગુનેગારોના નામ બહાર લાવીને તેમના પર કાયદાકીય કાર્યવાહી ક્યારે થશે તે લોક ચર્ચાનો વિષય બન્યો છે

કિરીટ પટેલ બાયડ

સાબર ડેરીના નકલી દૂધ કૌભાંડમાં રહસ્ય અકબંધ: શું મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે?

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન અને લાખો પશુપાલકોની આસ્થાનું પ્રતીક બનેલી સાબર ડેરી ફરી એકવાર ગંભીર વિવાદોના ઘેરાવામાં છે. સાબર ડેરી સાથે જોડાયેલા નકલી દૂધના કૌભાંડે સહકારી ક્ષેત્રમાં હડકંપ મચાવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયા પછી પણ હજુ સુધી નકલી દૂધના ટેન્કરોનું મૂળ રહસ્ય અકબંધ છે અને અસલી ગુનેગારો કાયદાની પકડથી દૂર છે.
બંધ હાલતની મંડળીમાં રોજનું હજારો લીટર નકલી દૂધ?
આ કૌભાંડની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે જે સહકારી મંડળીઓમાં આ નકલી દૂધ ઠાલવવામાં આવતું હતું, તેની વાસ્તવિક સ્થિતિ તપાસ કરતા મોટાપાયે લોલલપોલ સામે આવે છે.
જૂના પીપોદરા દૂધ મંડળીનું ઉદાહરણ: આ મંડળી અગાઉથી જ ઊંચાપત અને અન્ય કારણોસર બંધ હાલતમાં હતી. આ મંડળીમાં સામાન્ય સંજોગોમાં માંડ ૩૦૦ થી ૪૦૦ લીટર દૂધ ભરાતું હતું. તેમ છતાં, બહારથી આવેલા એક જ અજાણ્યા વ્યક્તિના નામે અચાનક ૪,૦૦૦ લીટર જેટલું નકલી દૂધ આ મંડળીમાં ઠાલવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
એક જ વ્યક્તિના નામે મોટું રેકેટ: બોરડી દૂધ મંડળી, તાલોદ દૂધ મંડળી સહિત કુલ ચારથી પાંચ મંડળીઓમાં એક જ વ્યક્તિના નામે રોજનું ૨૦ થી ૨૨,૦૦૦ લીટર (એટલે કે દિવસના બે મોટા ટેન્કર જેટલું) નકલી દૂધ ભરાવવામાં આવી રહ્યું હતું.
આ મંડળીઓમાં ભરાતું દૂધ સીધું અરજણવાવ ખાતે આવેલા સાબર ડેરીના શીત કેન્દ્ર (ચિલિંગ સેન્ટર)માં મોકલવામાં આવતું હતું. એક જ વ્યક્તિના નામે ભરાયેલા આ વિશાળ જથ્થાના ભાવ વધારાના લાખો રૂપિયા પણ સેરવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે.
તપાસના નામે ‘મીંડું’ અને ગોકળગાય ગતિ
આ કૌભાંડ બહાર આવ્યા બાદ શરૂઆતમાં તંત્ર દ્વારા તપાસના બણગા ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ સમગ્ર પ્રકરણ પર રહસ્યમય પડદો પડી ગયો હોય તેમ લાગે છે જે ચાર-પાંચ મંડળીઓમાં આ નકલી દૂધનું ધૂમ વેચાણ અને કૌભાંડ ચાલતું હતું, તે મંડળીઓમાં આ કૌભાંડ પકડાયા બાદ હાલ દૂધના જથ્થામાં કેટલો ઘટાડો થયો છે? તેની કોઈ જ તટસ્થ કે સત્તાવાર તપાસ કરવામાં આવી નથી અને ન તો કોઈ સત્તાવાર રિપોર્ટ બહાર આવ્યો છે.
સામાન્ય પશુપાલક માટે કડક નિયમો, તો આના પર ચૂપકીદી કેમ? ગામડાની સામાન્ય મંડળીઓમાં જો કોઈ પશુપાલકના દૂધના જથ્થા કે ફેટમાં વધારો-ઘટાડો થાય તો ડેરી દ્વારા તાત્કાલિક નોટિસ અને તપાસનો દોર શરૂ થઈ જતો હોય છે. તો પછી આટલા મોટા ઔદ્યોગિક કૌભાંડમાં તપાસની ગતિ આટલી ધીમી કેમ છે? શું સરકાર અને તંત્ર આ મામલે અજાણ છે કે પછી કોઈ ‘મોટા માથાઓ’ને છાવરવામાં આવી રહ્યા છે?

આ સમગ્ર કૌભાંડ માત્ર બહારના શખ્સોનું ન હોઈ શકે. તેમાં સાબર ડેરીના આંતરિક વહીવટની સંડોવણી સ્પષ્ટ દેખાઈ રહી છે:
શીત કેન્દ્રના કર્મચારીઓ: અરજણવાવ ખાતે આવેલા સાબર ડેરીના શીત કેન્દ્રના કેટલાક જવાબદાર કર્મચારીઓની મિલીભગત વગર આટલા મોટા પ્રમાણમાં નકલી દૂધ સ્વીકારવું અશક્ય છે.
લેબ ટેકનિશિયનોની ભૂમિકા: દૂધની ગુણવત્તા ચકાસવા માટે જવાબદાર લેબ ટેકનિશિયન પણ સીધા શંકાના દાયરામાં આવે છે, કારણ કે દૂધની ગુણવત્તા (FAT/SNF) ચકાસ્યા વગર ટેન્કરો ડેરીમાં ઉતરી શકે નહીં. તેમ છતાં, હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર અને પારદર્શક તપાસ કરવામાં આવી નથી.

સાબર ડેરીના આ નકલી દૂધ કૌભાંડથી પ્રમાણનિકતાથી પશુપાલન કરતા લાખો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જો તંત્ર દ્વારા આ મામલે કોઈ ઉચ્ચસ્તરીય, નિષ્પક્ષ અને SIT જેવી એજન્સી દ્વારા તપાસ કરવામાં નહીં આવે, તો સહકારી સંસ્થાઓ પરથી સામાન્ય પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે.
હવે જોવાનું એ રહે છે કે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં સતત અહેવાલો છવાયા છતાં શું સરકાર અને ડેરી સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને અસલી ગુનેગારોને કાયદાના કઠેડામાં લાવશે ખરા?

Back to top button
error: Content is protected !!