GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડીના સમલા ગામે પૂજ્ય લાલદાસજીબાપુની દિવ્ય ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઝાલાવાડ પંથકના લીંબડી તાલુકામાં આવેલા સમલા ગામે પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા કાજે એક ભવ્ય અને પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને ગામ લીલોછમ બને તેવા પવિત્ર આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ (મોટા મંદિર, લીંબડી)ના મહંત પૂજ્ય ૧૦૦૮ લાલદાસજીબાપુએ ખાસ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. સમલા ગામના ઐતિહાસિક શિવ મંદિરના પટાંગણ ખાતેથી પૂજ્ય મહંતશ્રીના હસ્તે પ્રથમ છોડનું રોપણ કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ગામના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને શાળા પરિસર જેવા વિવિધ વિસ્તારોમાં મહંતશ્રી અને ગ્રામજનોના હસ્તે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે પૂજ્ય બાપુના શિષ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહંતશ્રીની દિવ્ય ઉપસ્થિતિથી સમગ્ર ગામમાં એક આહલાદક, પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમ દરમિયાન યોજાયેલી સભામાં પૂજ્ય લાલદાસજીબાપુએ પ્રકૃતિ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “વૃક્ષો એ માત્ર છાંયડો કે ફળ નથી આપતા, પણ માનવજાત અને જીવસૃષ્ટિના અસ્તિત્વનો મુખ્ય આધાર છે. પર્યાવરણની સમતુલા જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા સમયની માગ છે.” તેમણે ગ્રામજનોને હાકલ કરી હતી કે માત્ર છોડ વાવીને સંતોષ ન માનવો, પરંતુ વાવેલા દરેક વૃક્ષનું બાળક ની જેમ ઉછેર અને નિયમિત જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. મહંતશ્રીના પ્રેરણાદાયી બોધથી પ્રભાવિત થઈને ઉપસ્થિત તમામ ગ્રામજનો અને યુવાનોએ વાવેલા તમામ વૃક્ષોની જતનપૂર્વક સંભાળ લેવાનો તથા ગામને વધુ હરિયાળું બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ધાર્મિક ચેતનાનો એક સુંદર સંગમ બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!