GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાતીપ્લોટમાં દારૂ બાદ વર્લી મટકાના જુગારનો પર્દાફાશ: એક જ શખ્સ સામે બે અલગ-અલગ ગુના નોંધાયા

MORBI:મોરબીના લાતીપ્લોટમાં દારૂ બાદ વર્લી મટકાના જુગારનો પર્દાફાશ: એક જ શખ્સ સામે બે અલગ-અલગ ગુના નોંધાયા

રૂ. ૯૦ હજારનો ૪૫૦ લીટર દેશી દારૂ, ૫ મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. ૧.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: મહિલા સહિત ત્રણ આરોપીઓ ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ વિસ્તારમાં બાતમીના આધારે સફળ રેઇડ કરીને દારૂ અને વર્લી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂ અને જુગારના સાહિત્ય સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે એક મહિલા સહિત અન્ય ત્રણ આરોપીઓને ફરાર દર્શાવી તેમની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લાતીપ્લોટ શેરી નં.૩/૪ વચ્ચે આવેલા એક મકાનની છત પર મોટો દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનની છત પરથી રૂ. ૯૦,૦૦૦ની કિંમતનો ૪૫૦ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી આરોપી અનવરભાઈ ઇલ્યાસભાઈ કટીયા (ઉં.વ.૩૦, રહે. લાતી પ્લોટ) મળી આવતા પોલીસે તેની સ્થળ પર જ અટકાયત કરી હતી.

આ કેસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂના આ કાળા કારોબારમાં રજીયાબેન જુસબભાઈ કટીયા (રહે. લાતી પ્લોટ) નામની મહિલાની સંડોવણી ખુલી હતી, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રોહિબિશન હેઠળની કાર્યવાહી બાદ પોલીસે ઝડપાયેલા આરોપી અનવરના રહેણાંક મકાનની સઘન તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન મકાનમાંથી વર્લી ફીચરના આંકડા લખેલા કાગળો, હિસાબની ચિઠ્ઠીઓ, રૂ. ૫૦૦ની રોકડ રકમ તથા ૫ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે જુગારના સાહિત્ય અને મોબાઈલ સહિત રૂ. ૨૧,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસની કડક પૂછપરછમાં આરોપી અનવરે સ્વીકાર્યું હતું કે તે એકલો નહીં પરંતુ અન્ય બે ભાગીદારો સાથે મળીને વર્લી મટકાનો જુગાર રમાડતો હતો. તેના ભાગીદારો તરીકે કાનાભાઈ મનીષભાઈ જોષી (રહે. વાવડી) અને તારમામદ ઇસ્માઇલ જુનાણી (રહે. કુબેરનાથ રોડ, મોરબી)ના નામો ખુલ્યા હતા.આમ, સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અનવરભાઈ સામે દારૂ અને જુગારના બે અલગ-અલગ કેસ નોંધ્યા છે તથા ફરાર મહિલા આરોપી રજીયાબેન સહિત જુગારના અન્ય બે ભાગીદારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!