
કામરેજ: સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત કામરેજ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. ખોલવડ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નં.48ના સર્વિસ રોડ પરથી ગાંજાનો જથ્થો લઈ જતાં એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ પ્રેસનોટ મુજબ કામરેજ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ગોજીયાની આગેવાની હેઠળ ટીમે ખોલવડ ગામની સીમમાં વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હુસેન હસન આમળા (ઉં.વ.54), રહે. જામનગર,ને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી પાસેથી બે બેગમાં રાખેલો કુલ 20.985 કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.10,49,250 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ તથા બે બેગ સહિત કુલ રૂ.10,60,580નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રથી ગાંજો લાવી વેચાણ કરવાનો ખુલાસો
પોલીસ તપાસમાં આરોપી મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ગાંજાનો જથ્થો મેળવી પોતાના વતનમાં છૂટક વેચાણ કરવા લઈ જતો હોવાની વિગતો સામે આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ ગુનામાં ઝલીલ અંસારી અને રેખાબેન, બંને રહે. ધુલિયા, મહારાષ્ટ્ર,ને પકડવાના બાકી હોવાનું જણાવાયું છે.
આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B) II(C) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ટીમની મહત્વપૂર્ણ કામગીરી
આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ગોજીયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એચ. વસાવા, અ.હે.કો. જયેશભાઈ હરજીભાઈ, અ.હે.કો. ગૌતમભાઈ ગેલાભાઈ, અ.પો.કો. ઘનશ્યામસિંહ ભગવાનસિંહ, પો.કો. અક્ષયભાઈ જીવાભાઈ, પો.કો. દિનેશભાઈ રાસેંગભાઈ તથા ડ્રા.હે.કો. કલ્પેશભાઈ સોનભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
નશાના કારોબાર સામે કામરેજ પોલીસની આ કામગીરીથી નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત



