GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

મહીસાગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે
***
લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
****

 


આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમો – ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ બંને કાર્યક્રમોની વિગતો જિલ્લાના નાગરિક સુધી પહોંચે તે આશયથી આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં કલેક્ટરશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે આપણે ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન **”વંદે માતરમના ૧૫૦ વર્ષ”**ની વિશેષ થીમ સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરી રહ્યા છીએ. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આવતીકાલે, ૧૩મી ઓગસ્ટના રોજ સાંજે ૪:૦૦ કલાકે એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘વંદે માતરમ’ના ગાન સાથે શરૂ થનારી આ યાત્રા કલેકટર કચેરી લુણાવાડાથી પ્રસ્થાન કરી મહિલા પોલીસ ચોકી, ફૂવારાચોક, માંડવી બજાર અને ડો.પોલન સ્કુલ થઈ આઝાદ મેદાન ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં જિપ્સી વાન, ડી.જે., પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો પણ જોડાશે. આ ઉપરાંત, જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રાઓ યોજાશે તેમજ તમામ સરકારી ઈમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને harghartiranga.com પર પોતાની ‘સેલ્ફી વિથ તિરંગા’ અવશ્ય અપલોડ કરવા અનુરોધ કર્યો છે.

વહીવટી તંત્ર દ્વારા આયોજિત બીજો મહત્વનો કાર્યક્રમ ૧૪મી ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નો છે. આ કાર્યક્રમ સાંજે ૬:૦૦ કલાકે લુણાવાડા સ્થિત શ્રી પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. આ દિવસે આપણે ભારતના વિભાજન સમયે લોકોએ સહન કરેલી પીડા અને સંઘર્ષને યાદ કરીશું. કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટકનું એલ.ઈ.ડી. સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે. આવતીકાલથી જ એટલે કે ૧૩મી ઓગસ્ટથી કાર્યક્રમ સ્થળે એક ખાસ એક્ઝિબિશન ગોઠવવામાં આવશે, જેની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઈટ માર્ચ પણ યોજવામાં આવશે.

અંતમાં, જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટરશ્રીએ મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા’ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી, સન્માનભેર પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ. આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈને આપણો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા વહીવટી તંત્ર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સુધાર્થ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા, પ્રોબેશનલ આઈ એ એસ શ્રી ત્રિલોકસિંહ, સહાયક માહિતી નિયામક શ્રી હરીશ પરમાર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

✍️ રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર

Back to top button
error: Content is protected !!