GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADHWADHAWAN

થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન મુદ્દે ડેપ્યુટી કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ અગાઉ પૂરેલા કૂવાઓ અને જપ્ત મુદામાલની ચકાસણી

તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ-ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી માથું ન ઊંચકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા થાનગઢ મામલતદાર દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક દરોડા પાડી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓએ જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાળા, નળખંભા અને ખાખરાવાળી જેવા વિસ્તારોની સ્થળ પર મુલાકાત લીધી હતી. અગાઉ ગેરકાયદેસર ખનન માટે વપરાતા અને તંત્ર દ્વારા બુરાણ કરી દેવાયેલા કૂવાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ખાસ કરીને અગાઉ બંધ કરાયેલા કૂવાઓમાંથી કોઈ ફરીથી કોલસા ખનન કરી રહ્યું છે કે કેમ, અથવા પાણી ઉલેચવાની કામગીરી શરૂ થઈ છે કે નહીં તેમજ અગાઉ જપ્ત કરાયેલા મુદ્દામાલની સ્થિતિ અંગે સ્થળ પર ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે ગોઠવવામાં આવેલી ‘રાઉન્ડ-ધ-ક્લોક’ પેટ્રોલિંગ અને મોનિટરિંગ ટીમો યોગ્ય રીતે ફરજ બજાવી રહી છે કે નહીં તેની પણ સમીક્ષા કરાઈ હતી આકસ્મિક તપાસ દરમિયાન થાનગઢ અને મૂળી વિસ્તારના અગાઉ બુરાણ કરાયેલા કૂવાઓ પર કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ પુનઃ શરૂ થયેલી જોવા મળી નથી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્પષ્ટતા કરી હતી કે ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ યથાવત્ રહેશે.અગાઉ કામગીરી કરીને કૂવા બંધ કરી દેવા પૂરતું સીમિત ન રહેતા, અધિકારીઓ અને કર્મચારીઓને તે સ્થળોએ ફરીથી ખનન ન થાય તે માટે સતત તકેદારી અને પેટ્રોલિંગ ચાલુ રાખવા આદેશ અપાયા છે. તંત્ર દ્વારા ટેકનોલોજી અને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગની મદદથી સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!