GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચાડવા નવસારી મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તથા કોઈપણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા વિશેષ નાગરિકલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજરોજ વોર્ડ ક્રમાંક-૩ ખાતે આવેલી નવસારી મહાનગરપાલિકા હાઈસ્કૂલ, શાંતાદેવી રોડ ખાતે નાગરિકલક્ષી કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં નવસારી મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમની જરૂરિયાતો તથા પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી.

કેમ્પ દરમિયાન નાગરિકોને સામાજિક સુરક્ષા સહિતની વિવિધ સરકારી યોજનાઓની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને મળવાપાત્ર લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓમાં ૧૦૦ ટકા પરિપૂર્ણતા (Saturation Target)હાંસલ થાય અને એકપણ પાત્ર નાગરિક સરકારી લાભથી વંચિત ન રહે તે માટે આગામી એક મહિના દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આ ઝુંબેશ અંતર્ગત ‘સેવા સેતુ’ના મોડેલની તર્જ પર વિવિધ વિસ્તારોમાં કેમ્પો યોજી નાગરિકોને તેમના ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તે માટે માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે.

મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ માત્ર યોજનાઓની માહિતી આપવાનો નહીં પરંતુ દરેક પાત્ર લાભાર્થી સુધી યોજનાનો વાસ્તવિક લાભ પહોંચાડવાનો છે. આ અભિયાનથી ખાસ કરીને જરૂરિયાતમંદ, વંચિત અને સામાજિક સુરક્ષાના લાભ માટે પાત્ર નાગરિકોને મોટી રાહત મળવાની આશા છે.

‘કોઈ પાત્ર નાગરિક લાભથી વંચિત ન રહે’ તે સંકલ્પ સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ નાગરિકલક્ષી શાસન અને સેવા ભાવનાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

Back to top button
error: Content is protected !!