
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુરમાં ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ’ દ્વારા ખાદ્યચીજોની સ્થળ પર જ તપાસ
અરવલ્લી જિલ્લામાં તહેવારો અને વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી ખાદ્યચીજોના વેપારીઓમાં તપાસનો ધમધમાટ
માલપુર, 12 ઓગસ્ટ 2026: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લી દ્વારા ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ’ના માધ્યમથી માલપુર બસ સ્ટેન્ડ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓ, લારી-ગલ્લા, રિટેલર, હોટલ-રેસ્ટોરન્ટ તેમજ એસ.ટી. કેન્ટીન સહિતના સ્થળોએ સ્થળ પર જ તપાસ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.આ કામગીરી દરમિયાન હોટલ શ્રી ગોકુલ, ખોડીયાર નાસ્તા હાઉસ, જય ભવાની સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ, અંબિકા કર્ણાવતી દાબેલી, જય જોગમાયા ભેલ પકોડી, અંબિકા પકોડી સેન્ટર, લક્ષ્મી પકોડી સેન્ટર, દિલ ખુશ દાબેલી સેન્ટર, લક્ષ્મી ભેલ પકોડી સેન્ટર, ખોડીયાર સ્વીટ માર્ટ, અલગ દાબેલી, વીર નાસ્તા હાઉસ, જય ગોગા દાલવડા, એસ.ટી. કેન્ટીન અને જલારામ હોટલ સહિતની પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વારંવાર તળવામાં આવતા તેલનું TPC (Total Polar Compounds) પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તૈયાર ખોરાકમાં બિનઅધિકૃત રંગની ભેળસેળ, એક્સપાયરી ડેટવાળી પેકિંગ ખાદ્યચીજો, ફૂડ લાયસન્સ/રજિસ્ટ્રેશન, સ્વચ્છતાની સ્થિતિ તેમજ બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજોની પણ ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આશરે 5 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ તથા કલરવાળી ગ્રીન ચટણી મળી આવી હતી. વેપારી દ્વારા સ્વૈચ્છિક રીતે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ચટણીની અંદાજિત કિંમત આશરે રૂ.300 હોવાનું જાણવા મળ્યું છે.
વરસાદી ઋતુ તેમજ તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને ખાદ્યચીજોના વેપારીઓને પેઢી તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, આરોગ્યપ્રદ અને ગુણવત્તાસભર ખાદ્યચીજોનું વેચાણ કરવા તથા ખાદ્યચીજોને ઢાંકીને રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડા ન થાય તે માટે પણ વેપારીઓને સાવચેતી રાખવા જણાવાયું હતું.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી અંગે જણાવાયું હતું કે,તહેવારો અને વરસાદી ઋતુ દરમિયાન ખાદ્યચીજોની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લામાં આવી તપાસ અને જાગૃતિની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.





