મહીસાગર જિલ્લામાં અંદાજિત રૂ. ૩૪ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલો અને

મહીસાગર જિલ્લામાં અંદાજિત રૂ. ૩૪ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલો અને જિલ્લા પુસ્તકાલયનું ઇ-લોકાર્પણ સંપન્ન
***
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
“બાળક રમશે તો જ ખીલશે”: શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે રમતગમત અને પુસ્તકોનું વાંચન અત્યંત આવશ્યક – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર
****

મહીસાગર જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નક્કર કદમ ઉઠાવવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે મહીસાગર જિલ્લામાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અંદાજિત રૂ. ૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા રમત સંકુલ, હરદાસપુર, અંદાજિત રૂ. ૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ તાલુકા રમત સંકુલ, બેણદા અને અંદાજિત રૂ. ૮.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા પુસ્તકાલય, લુણાવાડા પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યકક્ષાના “શક્તિદૂત-૨.૦” કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા સ્થિત ૫૨ પાટીદાર સમાજઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇ-લોકાર્પણ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લા પુસ્તકાલય અને જિલ્લા રમત સંકુલની મુલાકાત લઈ રિબિન કાપી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રમતગમત એ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક વિકાસ માટે પણ અત્યંત આવશ્યક છે. આજની પેઢી જ્યારે મોબાઈલ ગેમ્સ તરફ વળી છે, ત્યારે વાલીઓએ તેમને આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રેરિત કરવા જોઈએ. બાળક રમશે તો જ ખીલશે અને તો જ આપણા રાજ્ય અને દેશનો વિકાસ થશે. હરદાસપુર ખાતે શરૂ થયેલ આ સ્પોર્ટ્સ સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની રમતો માટેની ઉત્તમ સુવિધાઓ અને નિષ્ણાત કોચિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નવનિર્મિત પુસ્તકાલયનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું હતું કે, શારીરિક વિકાસની સાથે બૌદ્ધિક વિકાસ માટે પુસ્તકોનું વાંચન ખૂબ જરૂરી છે. માત્ર મોબાઈલ કે સ્ક્રીન પરથી જ્ઞાન મેળવવાને બદલે પુસ્તકાલયમાં જઈને પુસ્તકો વાંચવાથી બાળકોના સપનાઓને નવી ઉડાન અને પ્રેરણા મળે છે. વાલીઓએ બાળકોના હાથમાં બાળપણથી જ પુસ્તકો અને રમતના સાધનો પકડાવવા જોઈએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, “દેશનું આવનારું ભવિષ્ય આપણા વિદ્યાર્થીઓ અને બાળકો છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ આપણને માહિતી ચોક્કસ પૂરી પાડે છે, પરંતુ પુસ્તકો માહિતીની સાથે સાચી સમજ પણ આપે છે. યુવાનોએ આ નવનિર્મિત અદ્યતન લાઈબ્રેરીનો મહત્તમ લાભ લઈ, સઘન વાંચન થકી કલેક્ટર કે ઉચ્ચ અધિકારી બનવાના પોતાના સપનાઓને સાકાર કરવા જોઈએ.”
વધુમાં ધારાસભ્યશ્રીએ ગર્વ સાથે ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના યુવાનોએ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. વર્ષ ૨૦૩૦માં જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોનું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લાના છેવાડાના ગામડાના ખેલાડીઓ પણ પોતાની સ્કીલ અને કૌશલ્ય થકી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે સરકાર દ્વારા પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, પ્રોબેશનરી આઈ.એ.એસ. શ્રી ત્રિલોકસિંહ, અગ્રણી શ્રી દશરથભાઈ બારીયા સહિત વિશાળ સંખ્યામાં બાળકો, ખેલાડીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




