AHAVADANGGUJARAT

ડાંગમાં બિનઅધિકૃત બાંધકામો સામે તંત્રની ખાતરી બાદ કૉંગ્રેસ નેતા મનીષ મારકણાનું ઉપવાસ આંદોલન સમેટાયું

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર અને બિનઅધિકૃત બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલના પ્રમુખ મનીષભાઈ મારકણાએ જિલ્લા સેવા સદન સામે શરૂ કરેલું અનિશ્ચિત મુદતનું ઉપવાસ આંદોલન અંતે તંત્રની ખાતરી બાદ સમેટાયું હતું.

મંગળવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા ઉપવાસને પગલે જિલ્લામાં રાજકીય તેમજ પ્રશાસનિક સ્તરે ચર્ચા તેજ બની હતી. મારકણાના જણાવ્યા મુજબ, ડાંગ જિલ્લામાં નિયમવિરુદ્ધ બાંધકામો અંગે તેમણે ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ સહિત વિવિધ માધ્યમો દ્વારા રજૂઆતો કરી હતી. તંત્રની પ્રાથમિક તપાસમાં 63 જેટલા બિનઅધિકૃત બાંધકામો સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

મારકણાની મુખ્ય માંગ હતી કે આવા તમામ બાંધકામોની યાદી જાહેર કરવામાં આવે અને માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી સીમિત ન રહીને નિયમ મુજબ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.

બીજી તરફ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.બી. પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતો મારફતે અત્યાર સુધીમાં આશરે 34 એકમોને નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તેમજ અન્ય એકમો સામે પણ નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ મુદ્દે ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ચૌધરીએ પણ લોકો સાથે હેરાનગતિ ન થાય અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થાય તે અંગે રજૂઆત કરી હતી.

દરમિયાન, મનીષ મારકણા લાંબા સમય સુધી ઉપવાસ પર અડીખમ રહેતાં મોડી રાત્રે તંત્ર હરકતમાં આવ્યું હતું. રાત્રે આશરે 10 વાગ્યે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.બી. પટેલ તથા આહવા તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ મનીષ મારકણા સાથે બેઠક યોજી તેમની માંગણીઓ અંગે ચર્ચા કરી હતી.

તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અને હકારાત્મક વલણ મળ્યા બાદ મનીષ મારકણાએ રાત્રે 10 વાગ્યે પારણા કરી ઉપવાસ આંદોલનનો અંત લાવ્યો હતો.

આ સાથે દિવસભર ચાલેલા રાજકીય અને પ્રશાસનિક ઘટનાક્રમનો હાલ પૂરતો સુખદ અંત આવ્યો છે. હવે તંત્ર દ્વારા આપવામાં આવેલી ખાતરી મુજબ બિનઅધિકૃત બાંધકામો સામે કેટલી અને કઈ પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

Back to top button
error: Content is protected !!