સુરેન્દ્રનગર: 13 લાખના વિદેશી દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને પકડતી રાજકોટ રેન્જ પોલીસ

તા.12/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજકોટ રેન્જ પોલીસ ટીમને એક મોટી સફળતા સાંપડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રૂ. ૧૩ લાખના ઈંગ્લીશ દારૂના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો મુખ્ય આરોપી આખરે રાજકોટ રેન્જની વિશેષ ટીમની ગિરફ્તમાં આવી ગયો છે. નાસતા-ફરતા ગુનેગારો સામે વિશેષ ઝુંબેશ
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જના તાબા હેઠળના જિલ્લાઓ તેમજ અન્ય વિસ્તારોમાં ગુના આચરીને ફરાર થઈ ગયેલા નાસતા-ફરતા અસામાજિક તત્વો અને આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ રેન્જ પોલીસની ટીમો સતત સક્રિય હતી. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્ક
રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના નેતૃત્વ હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવવા માટે હ્યુમન સોર્સ અને ગ્રાઉન્ડ નેટવર્કનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ સાથે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓના ચોક્કસ લોકેશન મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, સ્ટાફના કર્મચારીઓ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિધવને ચોક્કસ અને મજબૂત હકીકત મળી હતી કે મુળી પો.સ્ટે.ના પ્રોહીબિશન ગુનાનો ફરાર આરોપી પોતાના વિસ્તારમાં જ છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને વિભાભાઇ ઉર્ફે વિહાભાઇ જગાભાઇ મુંધવા રહે, ઉમરાડા, મુળીને ઉમરડા ગામની પ્રાથમિક શાળા પાસેથી સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. ઝડપાયેલો આરોપી વિભા ઉર્ફે વિહા મુંધવા મુળી પોલીસ સ્ટેશનના પ્રોહી. ગુ.ર.નં. ૦૨૪૭/૨૦૨૫ (પ્રોહીબિશન કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨)) મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. આ કેસમાં આશરે રૂપિયા ૧૩ લાખની કિંમતનો ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો હતો. રાજકોટ રેન્જ ટીમે આરોપીને હસ્તગત કરીને આગળની કાયદેસરની ઘટતી કાર્યવાહી અને પૂછપરછ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.



