
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – શ્રાવણ માસની શરૂઆત સાથે અરવલ્લીના શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર રેલ્લાવાડા ખાતે ભક્તોની ભીડ
અરવલ્લી જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ શિવલિંગ પર બીલીપત્ર, જળાભિષેક, ધતુરાના ફૂલ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.
માઝુમ નદીના કિનારે આવેલા પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તો દર્શન અને પૂજા માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં મંત્રોચ્ચાર અને હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.ભક્તોએ શિવલિંગ પર બીલીપત્ર, ચરણામૃત, જળ તેમજ ધતુરાના ફૂલો અર્પણ કરી અભિષેક કર્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે અંદાજે એક લાખ જેટલા બીલીપત્ર શિવલિંગને અર્પણ કરવામાં આવશે. જ્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે કમળના પુષ્પો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવશે.શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સવારે મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.




